
જામનગર, 01 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગર કલેક્ટર કચેરી તેમજ તાબાની તમામ પ્રાંત અને મામલતદાર કચેરીઓ સામેના કોર્ટ કેસોમાં સરકાર પક્ષે અસરકારક રજૂઆત થઈ શકે તે હેતુથી કાયદા સલાહકારની એક જગ્યા કરાર આધારિત ભરવા માટે મહેસૂલ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ માટે યોગ્ય ઉમેદવારોની પેનલ તૈયાર કરવા લાયકાત ધરાવતા વકીલો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
આ જગ્યા માટે વકીલાતનો ઓછામાં ઓછો ૫ વર્ષથી વધુનો પ્રેક્ટિસ અનુભવ અને ૫૦ વર્ષથી ઓછી વય ધરાવતા ઉમેદવારો અરજી કરવા પાત્ર રહેશે. રસ ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં લેટરપેડ કે કોરા કાગળ પર અરજી સાથે જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો અને બાંહેધરીપત્રક સામેલ કરવાના રહેશે. તમામ આધારાધારિત દસ્તાવેજો સાથેની અરજી તા.૦૮/૧૦/૨૦૨૬ના સાંજે ૧૮:૧૦ કલાક સુધીમાં કલેક્ટર કચેરી ખાતે જમા કરાવવાની રહેશે.
નિમણૂંક મેળવનાર ઉમેદવારે સરકારના નીતિ-નિયમો મુજબ સામાન્ય ફરજો અને જવાબદારીઓ બજાવવાની રહેશે. અરજીનો નિયત નમૂનો, પરિશિષ્ટ-૧ થી ૩ અને ડેકલેરેશન ફોર્મ જિલ્લા સેવા સદન, શરુ સેક્શન રોડ, કલેક્ટર કચેરીની મેજિસ્ટ્રેરીયલ શાખા (રૂમ નં.૧૧૦, પહેલો માળ) ખાતેથી કામકાજના સમય દરમિયાન મેળવી શકાશે.
નિયત સમયમર્યાદા બાદ આવેલી કે અધૂરી વિગતો ધરાવતી અરજીઓ રદબાતલ ગણવામાં આવશે. આ ઉપરાંત, ભરતી સંદર્ભે રૂબરૂ મુલાકાત માટે પસંદગી પામેલા ઉમેદવારે પોતાના સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે તેમ જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt