
જામનગર, 01 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્ય સરકારના ‘બેક ટૂ સ્કૂલ’ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ વ્યવહારિક શિક્ષણ મળે તેવા આશયથી જામનગરની બેડેશ્વર, ધરારનગર-૧ સ્થિત શાળા નંબર ૫૫ ના ધોરણ ૫ થી ૮ ના ૬૧ વિદ્યાર્થીઓ માટે જિલ્લા વિકાસ અધિકારી કચેરી તેમજ જિલ્લા પંચાયત કેમ્પસની વિવિધ શાખાઓની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત હસ્તકના વેક્સીન સ્ટોરમાં વિદ્યાર્થીઓને વેક્સીન માટેની કોલ્ડ ચેઈન, નીચું તાપમાન જાળવવાની જરૂરિયાત, વીજ પુરવઠો ખોરવાય ત્યારે રાખવાની અગમચેતી અને વેક્સીન વાયલ મોનિટરના કલર પરથી તેની ગુણવત્તા તથા એક્સપાયરી તારીખ ઓળખવાની પદ્ધતિ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, મેડીસીન સ્ટોર્સ ખાતેથી શાળાઓમાં વિતરણ કરાતી કૃમિનાશક દવા, લોહતત્વની ગોળીઓ અને વિટામિન 'એ' ના ટીપાંની અગત્યતા સમજાવીને ઘરગથ્થુ સાવચેતીઓ અંગે માહિતગાર કરાયા હતા.
જિલ્લા પંચાયતના કોન્ફરન્સ રૂમમાં ICDS વિભાગ દ્વારા આંગણવાડીની કામગીરી, પૂર્ણા શક્તિ યોજના, રસીકરણ મેળા અને સમતોલ આહાર વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ સાથે ‘અમે આંગણવાડીવાળા’ ગીતનું વિડીયો પ્રેઝન્ટેશન તેમજ આહાર વિષયક રમાડવામાં આવેલી રમતોથી બાળકો ઉત્સાહિત થયા હતા. જન્મ-મરણ શાખા દ્વારા જન્મ અને મરણના દાખલાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતિમ ચરણમાં વિદ્યાર્થીઓએ અમ્યુઝમેન્ટ પાર્ક, શ્રીજી હોલ પાસે યોજાયેલ ‘સરસ મેળા’ની મુલાકાત લઈ ખરીદી કરી હતી અને ‘વોકલ ફોર લોકલ’ કન્સેપ્ટથી માહિતગાર થયા હતા. સમગ્ર શૈક્ષણિક મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓનું શિસ્ત અને શિક્ષકોનો ઉત્સાહ સરાહનીય રહ્યો હતો. શાળા પરિવાર દ્વારા સુંદર આયોજન બદલ તંત્રનો આભાર વ્યક્ત કરી ‘થેંક્યુ કાર્ડ’ અર્પણ કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt