
અમદાવાદ, 01 ઓકટોબર (હિ.સ.) : અમદાવાદમાં નવનિર્મિત મકરબા બ્રિજ પરથી એક યુવકે કૂદીને આપઘાત કર્યો છે. આજે 1 ઓક્ટોબરે બપોર બાદ યુવક બ્રિજ પર વાહન લઈને આવ્યો હતો જે બાદ વાહન પાર્ક કરીને બ્રિજ પરથી છલાંગ લગાવી હતી. બ્રિજ પરથી પડતા સ્થળ પર જ યુવકનું મોત થયું હતું.
બનાવની જાણ થતા સરખેજ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. અમદાવાદના મકરબા બ્રિજ પરથી યુવકે ઝંપલાવી આત્મહત્યા કરી. બ્રિજના ઉદ્ઘાટનના એક અઠવાડિયામાં જ આ ઘટના બની. પોલીસ તપાસ ચાલુ છે.
શહેરના નવ નિર્મિત મકરબા બ્રિજ પરથી પાર્થ સોયંત્રા નામના યુવકે કૂદીને આપઘાત કર્યો છે. બપોરના સમયે પાર્થ બ્રિજ પર ટુ વ્હીલર લઈને આવ્યો હતો જે બાદ બ્રિજ પર જ ટુ વ્હીલર મૂકીને છલાંગ લગાવી હતી.બ્રિજ પરથી પડતા યુવકના માથામાં ઇજા થઈ હતી જેના કારણે યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા યુવકના પરિવારના સભ્યો પહોચ્યા હતા. પોલીસ અને એમ્બ્યુલન્સ પણ પહોંચી હતી. યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.એલ ચાવડાએ જણાવ્યું હતું કે, યુવક વેજલપુરના રહેવાસી છે. હાલમાં કોઈ કામ ધંધો કરતો નથી. યુવકે કયા કારણથી આપઘાત કર્યો તે જાણી શકાયું નથી. યુવકના પરિવારના નિવેદન બાદ મોતનું કારણ જાણી શકાશે.
ઉલ્લેખનીય છે કે મકરબા રેલવે ઓવરબ્રિજનું ગત 24 સપ્ટેમ્બરે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે 98.60 કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ મકરબા અને વેજલપુરને કોર્પોરેટ રોડ તથા એસજી હાઈવે સાથે જોડે છે. બ્રિજ ખુલ્લો મુકાયા બાદ ટ્રાફિક વ્યવસ્થાને લઈને પણ તે ચર્ચામાં રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ