આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ: જૂનાગઢની ટેનિસ સ્ટાર જેન્સીનો ટેનિસ કોર્ટ પર ઝંઝાવાત, જુનિયર કેટેગરીમાં એશિયાની નંબર વન ખેલાડી બની
જુનાગઢ, 11 ઓક્ટોબર (હિ.સ.) : સાડા ત્રણ વર્ષની ઉંમરે હાથમાં પકડેલું ટેનિસનું રેકેટ આજે ૧૫ વર્ષની ઉંમરે તેને આંતરરાષ્ટ્રીય ટેનિસના મંચ સુધી લઈ આવ્યું છે. જૂનાગઢની જેન્સી કાનાબારની આ સફર નાની ઉંમરમાં અસાધારણ રહી છે. રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમા
જૂનાગઢની ટેનિસ સ્ટાર દીકરીની વાત


જુનાગઢ, 11 ઓક્ટોબર (હિ.સ.) : સાડા ત્રણ વર્ષની ઉંમરે હાથમાં પકડેલું ટેનિસનું રેકેટ આજે ૧૫ વર્ષની ઉંમરે તેને આંતરરાષ્ટ્રીય ટેનિસના મંચ સુધી લઈ આવ્યું છે. જૂનાગઢની જેન્સી કાનાબારની આ સફર નાની ઉંમરમાં અસાધારણ રહી છે. રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં નોંધપાત્ર પ્રદર્શન કરીને જેન્સીએ સાબિત કર્યું છે કે, પ્રતિભા કોઈ મેગાસિટીની મોહતાજ નથી. યોગ્ય તક અને સતત પરિશ્રમ મળે તો નાના શહેરમાંથી પણ વિશ્વસ્તરે પોતાની ઓળખ ઊભી કરી શકાય છે. આજે જેન્સીની સિદ્ધિઓ જૂનાગઢને ગૌરવ અપાવી રહી છે. સાથે જ ટેનિસમાં ભારતની ઉભરતી 'આશા' બની છે.

જૂનાગઢ જેવા નાના શહેરમાંથી આવતી દીકરી અને માત્ર ૧૫ વર્ષની જેન્સીએ ટેનિસ કોર્ટ પર ઝંઝાવાત લાવ્યો છે. સાડા ત્રણ વર્ષની ઉંમરે જ હાથમાં ટેનિસનું રેકેટ પકડનાર જેન્સીએ પાછું વળીને જોયું નથી. વર્ષોની એકધારી મહેનત, પરિવારનો અતૂટ સહયોગ, રમત પ્રત્યે સમર્પણ, ટેનિસ કોર્ટમાં અદભુત ધૈર્ય અને કંઈક કરી બતાવવાની દ્રઢ સંકલ્પથી જેન્સીએ નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે.

જેન્સીએ જાન્યુઆરી- ૨૦૨૬માં મેલબોર્ન ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયન ઓપન એલાઈટ અંડર -૧૪ ટ્રોફી જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની, મે -૨૦૨૬માં કજાકિસ્તાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા જુનિયર બીલી જીન કિંગ કપમાં તમામ છ મેચમાં વિજય બની. આ પૂર્વે એપ્રિલ ૨૦૨૬માં પુણેમાં આયોજિત આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વની ગણાતી ITF- ઇન્ટરનેશનલ ફેડરેશનની J300 સ્પર્ધામાં રનર્સઅપ રહી, સૌથી નાનીવયે અંડર- ૧૪ વયજૂથમાં નેશનલ ચેમ્પિયન બનવાનો રેકોર્ડ વગેરે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે.

જુનિયર ટેનિસમાં એશિયામાં પ્રથમ અને વિશ્વમાં ૪૬મો રેન્ક ધરાવતી જેન્સી લગભગ ટેનિસના ઓસ્ટ્રેલિયન, ફ્રેન્ચ અને યુએસ ઓપન તથા વિમ્બલડન એમ ચારેય જુનિયર ગ્રાન્ડ સ્લેમ માટે ક્વોલીફાય થવું નક્કી છે. તેમ જણાવતા જેમ્સીના પિતા અને કોચ તથા મેન્ટોર તરીકેની ભૂમિકા અદા કરતાં દિપકભાઈ કહે છે કે, જેન્સીએ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે ટેનિસમાં નાની ઉંમરમાં ખૂબ મોટી સફળતાઓ મેળવી છે. તેને વધુ આગળ વધારવા માટે હાલ સંપૂર્ણપણે પોતાના ગેમ પર ફોકસ કરી રહી છે. સતત પોતાની રમતનું સ્તર ઊંચું લઈ જવા માટે નિયમિતપણે ટેનિસ કોર્ટ પર સાત કલાક પરસેવો વહાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, જેન્સીને સફળ બનાવવા માટે તેના પિતા દિપકભાઈનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. રમતના ક્ષેત્રમાં ખૂબ રુચિ ધરાવતા દિપકભાઈએ ટેનિસની લગભગ તમામ બારીકીઓ અને ટેકનીકનો અભ્યાસ કર્યો છે. તેના આધારે જેન્સીનું માર્ગદર્શન કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે, ભારત સરકારના રમતગમત મંત્રાલય અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલી ટાર્ગેટ ઓલમ્પિક પોડિયમ સ્કીમ - TOPS અને ટાર્ગેટ એશિયન ગેમ્સ ગ્રુપ TAGG યોજનામાં પસંદગી પણ પામી છે. એટલે કે ઓલમ્પિક અને એશિયન ગેમ્સ માટે જે ખેલાડીઓ તૈયાર કરવામાં આવનાર છે. તેમાં તેને સ્થાન મળવાનું છે. જેથી આંતરરાષ્ટ્રીય સ્તરનું કોચિંગ, તાલીમ, ઇક્વિપમેન્ટ, ફિટનેસ ટ્રેનર વગેરે સુવિધાઓનો લાભ પણ મળશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૯મી નવેમ્બરના જૂનાગઢના આઝાદી દિવસ અને યુનિટીના માર્ચના પ્રસંગે જૂનાગઢ આવ્યા હતા. ત્યારે તેમણે પણ જેન્સીની સિદ્ધિના બિરદાવી સન્માનિત કરી હતી.

તેમણે ઉમેર્યું કે, જેન્સી આગળ વધી દેશનું નામ રોશન કરે તે માટે કેન્દ્રીય સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખભાઈ માંડવીયા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજા સહિતના મહાનુભાવોએ વાતચીત કરીને તમામ જરૂરી સહયોગની ખાતરી આપી છે. સાથે જ સ્થાનિક અધિકારીઓ તથા વહીવટી તંત્ર તરફથી પણ એટલો જ સહકાર મળી રહ્યો છે.

તેમણે એમ પણ ઉમેર્યું કે, વિશ્વની સૌથી શ્રેષ્ઠ કહી શકાય તેવી અમેરિકાના ફ્લોરિડામાં આવેલી IMG સંસ્થા તરફથી પણ જેન્સીને ફ્રી કોચિંગની ઓફર આપવામાં આવી છે. તેવી જ રીતે દેશની પણ ટેનિસ માટેની નામાંકિત સંસ્થાઓએ જેન્સીને ફ્રી કોચિંગ માટે ઓફર કરી છે. પરંતુ હાલ જૂનાગઢ ખાતે જ ખૂબ સારી રીતે જેન્સીની ટ્રેનિંગ થઈ રહી છે અને અહીંનું વાતાવરણ પણ ખૂબ અનુકૂળ છે. પણ ભવિષ્યમાં આવશ્યકતા મુજબ ટ્રેનિંગ માટે બહાર પણ જવા માટેની તૈયારી છે.

સામાન્ય પરિવારમાંથી આવતા દિપકભાઈ કાનાબારને રમતગમતમાં સવિશેષ રુચી હતી. ટેનિસની વિશ્વની મહાન ખેલાડી સ્ટેફી ગ્રાફના મોટા પ્રશંસક. આ લગાવના કારણે દીપકભાઈએ જેન્સીને સાડા ત્રણ વર્ષની ઉંમરે ટેનિસનું રેકેટ પકડાવ્યું. જે સમયની સાથે જેન્સના જીવનનો જીવનનું અભિન્ન ભાગ અને તેની સાથે ગાઢ નાતો થઈ ગયો છે.

દીપકભાઈ કહે છે કે, પ્રારંભિક તબક્કે જૂનાગઢમાં જીમખાના ખાતેથી સોમનાથભાઈ પાસેથી જેન્સીએ માર્ગદર્શન મેળવ્યું હતું. વચ્ચે કોરોના મહામારીના કાળ દરમિયાન થોડા અવરોધો આવ્યા. ત્યારબાદ તે ચાર મિત્રોએ ટેનિસ કોર્ટ પણ બનાવ્યું. જેમાં પણ ઘણા લોકોનો સહયોગ મળી રહ્યો. જે યાત્રા આજે અવિરતપણે ચાલી રહી છે. જૂનાગઢ જીમખાના સાથે પણ જેન્સીનું નામ જોડવામાં આવ્યું છે.

દીપકભાઈ જેન્સીના સફરના એક યાદગાર પ્રસંગને યાદ કરતા જણાવે છે કે, જ્યારે જેન્સી જુનિયર સ્પર્ધામાં ભાગ લેવા વિમ્બલડન ગઈ ત્યારે વિશ્વની ટોચની અને સ્વિટ્ઝરલેન્ડની દિગ્ગજ ખેલાડી માર્ટિના હિંગીસ સાથે મુલાકાત થઈ. ત્યારે તેમના શબ્દો ખૂબ પ્રોત્સાહક રહ્યા. તેમણે કહ્યું કે, જેન્સી મેં તારી રમત ગઈકાલે જોઈ છે. વધુમાં તેમણે જેન્સીની રમતની પ્રશંસા કરતા કહ્યું કે, ''આઈ લાઈક યોર ગેમ''. વિશ્વના આટલા મોટા ગજાના ખેલાડી એમ કહે ત્યારે એમ લાગે કે, આપણે યોગ્ય માર્ગ પર જઈ રહ્યા છીએ. જે આપણને પ્રોત્સાહન અને ધરપત પણ આપે છે.

જેન્સીએ પણ ચારેય જુનિયર ગ્રાન્ડ સ્લેમમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની આશા વ્યક્ત કરવાની સાથે ભવિષ્યમાં ઓલમ્પિકમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાની મહેચ્છા પણ વ્યક્ત કરી છે.

જેન્સીની અસાધારણ સિદ્ધિ

-માત્ર પાંચ ટુર્નામેન્ટ રમ્યા બાદ ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન- ITF જુનિયર વિશ્વ રેન્કિંગમાં ટોપ -૧૭૮માં સ્થાન મેળવનાર વિશ્વની બીજી સૌથી નાની વયની ખેલાડી બની.

-વર્ષ ૨૦૨૫માં ITF એશિયન ડેવલપમેન્ટ ચેમ્પિયનશિપમાં અંડર - ૧૪માં સિંગલ કેટેગરીમાં ચેમ્પિયન

- ૨૦૨૫માં હૈદરાબાદ ખાતે આયોજિત એશિયન ગ્રેડ - A ની સ્પર્ધામાં સિંગલ્સ અને ડબલ્સ એમ બંને કેટેગરીમાં ચેમ્પિયન

- રાષ્ટ્રીય કક્ષા સહિત અન્ય જુદી જુદી આયોજિત સ્પર્ધાઓમાં સિંગલ અને ડબલ્સ કેટેગરીમાં લગભગ 60 જેટલા ખિતાબ જીત્યા.

- એશિયા અને ઓલ ઇન્ડિયા ટેનિસ ફેડરેશનના રેન્કિંગમાં અન્ડર -૧૪ અને અન્ડર - ૧૬ વયજૂથમાં નંબર ૧ પર છે. અંડર-૧૪માં સૌથી નાની વયની નેશનલ ચેમ્પિયન

- અંડર -૧૪માં જુનિયર વિમ્બલડનમાં ભાગ લેનાર વિશ્વની સૌથી નાની વયની ખેલાડી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande