જામનગરમાં 66 વર્ષ જૂની ભારતમાતા આદર્શ ગરબી: ધાર્મિક-ઐતિહાસિક વેશભૂષા સાથે અનોખા રાસની પરંપરા
જામનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના લીમડા લેન, પટેલ ચોક સ્થિત શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ આ વર્ષે સ્થાપનાના 66મા વર્ષમાં પ્રવેશ્યું છે. પરંપરાગત રાસ-ગરબા, પ્રાચીન દુહા-છંદની ગાયકી, શિસ્તબદ્ધ આયોજન અને ધાર્મિક તથા ઐતિહાસિક પાત્રોની આકર્ષક વેશભૂષ
ભારતમાતા ગરબી મંડળ


જામનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના લીમડા લેન, પટેલ ચોક સ્થિત શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ આ વર્ષે સ્થાપનાના 66મા વર્ષમાં પ્રવેશ્યું છે. પરંપરાગત રાસ-ગરબા, પ્રાચીન દુહા-છંદની ગાયકી, શિસ્તબદ્ધ આયોજન અને ધાર્મિક તથા ઐતિહાસિક પાત્રોની આકર્ષક વેશભૂષા માટે જાણીતી આ ગરબી નવરાત્રિ દરમિયાન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે.

મંડળની પરંપરાનો ઇતિહાસ જામનગરમાં વસવાટ શરૂ થયો તે સમય સાથે જોડાયેલો છે. ભાણજીભાઈ સંઘરાજભાઈ રામાણી અને તેમના ભાઈઓ કરાચીમાં વસવાટ દરમિયાન પણ નવરાત્રિ ઉજવતા હતા. વર્ષ 1947માં જામનગર સ્થળાંતર કર્યા બાદ પરિવારે અહીં પણ નવરાત્રિ ઉજવણી શરૂ કરી હતી. ત્યારબાદ લીમડા લેનના પટેલ ચોક વિસ્તારમાં સ્થાનિક લોકોના સહકારથી ભારતમાતા આદર્શ ગરબી મંડળની સ્થાપના થઈ હતી. વર્ષ 2010માં મંડળે સુવર્ણજયંતી ઉજવી હતી.

આ ગરબીનું મુખ્ય આકર્ષણ ધાર્મિક અને ઐતિહાસિક પાત્રોની વેશભૂષા ધારણ કરીને રમાતો ડાંડિયા રાસ છે. શ્રીરામ, લક્ષ્મણ, સીતાજી, કૃષ્ણ, રાધાજી, શિવજી, ગણેશજી, હનુમાનજી, રાવણ, છત્રપતિ શિવાજી, સિકંદર, ઋષિમુનિ અને જટાયુ જેવાં વિવિધ પાત્રોની વેશભૂષામાં યુવકો એક જ મંચ પર રાસ રમે છે, જે દર્શકો માટે આકર્ષણરૂપ બને છે. બાળાઓના રાસ-ગરબા પણ પરંપરાગત માહોલને જીવંત રાખે છે.

આ ગરબી સામાજિક સમરસતા અને સાંપ્રદાયિક એકતાનું ઉત્તમ પ્રતીક છે. વિસ્તારના મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી પરિવારો પણ આયોજનમાં સક્રિય સહભાગી બની સેવા આપે છે. આઠમના દિવસે આર્ય સમાજ દ્વારા વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જેથી ધાર્મિક પરંપરા સાથે અનેકતામાં એકતાનો સંદેશ મળે છે.

ગરબીનું આયોજન શિસ્તબદ્ધ અને સંપૂર્ણપણે નિઃશુલ્ક હોય છે. કોઈની પાસેથી ફરજિયાત ફંડ એકત્રિત કરવામાં આવતું નથી પરંતુ સ્થાનિકોના સ્વૈચ્છિક સહયોગથી સંચાલન થાય છે. ખેલૈયાઓ કે દર્શકો પાસેથી કોઈ પ્રવેશ ફી લેવામાં આવતી નથી તેમજ ઇનામી ડ્રો કે ટિકિટની વ્યવસ્થા હોતી નથી. મંડળે ભૂતકાળમાં શ્રેષ્ઠ શિસ્ત અને નિર્મળ ગરબા મેદાન સ્પર્ધામાં પુરસ્કારો પણ મેળવ્યા છે.

આયોજનમાં રામાણી પરિવાર, લીંબાસિયા પરિવાર, ગજેરા પરિવાર અને પાબારી પરિવારના સભ્યો સહિત અનેક કાર્યકરો યોગદાન આપે છે. રાસ-ગરબાની નૃત્યરચના, વેશભૂષા, રંગભૂષા, મંડપ અને ધ્વનિ વ્યવસ્થા જેવાં કાર્યો વિવિધ સભ્યો સંભાળે છે. આધુનિકતાના સમયમાં ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવામાં આ ગરબી મહત્વનું યોગદાન આપી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande