
સુરત, 11 ઓક્ટોબર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને આયોજન હેઠળ રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે વધુ સુદ્રઢ અને મુસાફરલક્ષી બનાવી છે. આ વર્ષે એસ.ટી.નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ વતનમાં જવા તા.04 થી 07 નવેમ્બર દરમિયાન સુરતથી 1600 એકસ્ટ્રા બસો દોડાવશે એમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
પ્રથમ નોરતે સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ વિષે વધુ વિગતો આપતાં નાયબ મુખ્યામંત્રીએ દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી પોતાના વતન તરફ હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે. જેને ધ્યાને લઈને સુરત એસ.ટી વિભાગ દ્વારા તા.04 થી 07 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ 1600 જેટલી વધુ બસો દોડાવવામાં આવશે. વધુ માંગ હશે તો વધુ બસો ફાળવવાની પણ નિગમની તૈયારી છે. સાથે જ આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજનાને આધારે મુસાફરોને સીધું તેમની સોસાયટીથી વતન સુધી પહોંચાડવાની સુવિધા પણ અપાશે.
એક્સ્ટ્રા બસો સાંજે 04.00 થી રાત્રે 10.00 કલાક સુધી દોડાવવામાં આવશે. જે માટે ઓછા ભાડામાં નિયત અને આયોજનબદ્ધ મુસાફરીનો લાભ લેવા નાયબ મુખ્યમંત્રીએ નાગરિકોને એડવાન્સ બુકિંગ કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ સુરતમાં રોજગાર માટે અન્ય નજીકના રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતીય મુસાફરો માટે પણ ચોક્કસ એડવાન્સ બુકિંગને આધારે બસની વ્યવસ્થા કરવાની તૈયારી નાયબ મુખ્યમંત્રીએ બતાવી હતી.
એક્સ્ટ્રા બસોનું ગ્રુપ બુકિંગ એસ.ટી. સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત તેમજ અડાજણ બસ પોર્ટ ખાતે આવેલ સુરત સિટી ડેપો ખાતેથી કરી શકાશે.
પ્રેસ કોન્ફરન્સમાં એસટીના વિભાગના અધિકારી, કર્મચારીઓ સહિત મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના આ સ્થળોએથી ઉપડશે એક્સ્ટ્રા બસો:
તા.04/11/2026 થી તા.07/11/2026 દરમિયાન સાંજે 04.00 થી રાત્રે 10.00 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર તરફનું એકસ્ટ્રા બસોનું સંચાલન ધારુકા કોલેજ, વરાછા રોડ ખાતેના મેદાનમાંથી તથા દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ તરફનું સંચાલન એસ.ટી. સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે આવેલ સીટી સ્ટેન્ડમાંથી અને રામનગર ખાતેથી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, ટ્રાફિકના ધસારાને ધ્યાને લઈ તા.08/11/2026 થી તા.15/11/2026 (લાભ પાંચમ) સુધી વડોદરા અને અમદાવાદનું એક્સ્ટ્રા સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી કરવામાં આવશે.
સુરતથી ઉપડતી દિવાળી એક્સ્ટ્રા બસોનું ભાડું:
એસ.ટી. નિગમ દ્વારા જાહેર કરાયેલા દરો મુજબ સુરતથી ઉપડતી એક્સ્ટ્રા બસોમાં અમરેલી માટે રૂ.455, સાવરકુંડલા રૂ.480, ભાવનગર રૂ.395, મહુવા રૂ.460, ગારીયાધાર રૂ.440, રાજકોટ રૂ.435, જુનાગઢ રૂ.500, જામનગર રૂ.505, ઉના રૂ.540, અમદાવાદ રૂ.320, પાલનપુર રૂ.410, દાહોદ રૂ.350, ઓલપાડથી દાહોદ રૂ.360, ઓલપાડથી ઝાલોદ રૂ.370, ઝાલોદ રૂ.360, કવાંટ રૂ.300, છોટાઉદેપુર રૂ.310, લુણાવાડા રૂ.325 અને ગોધરાનું ભાડું રૂ.305 નક્કી કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે