
સુરત, 12 ઓક્ટોબર (હિ.સ.) : સુરતના મક્કાઈપુલ વિસ્તારમાં 12 ઓક્ટોબરે રાજકીય માહોલ ગરમાયો હતો. કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. તેના વિરોધમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. ભાજપ મહિલા મોરચાની કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયની બહાર એકત્ર થઈ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
પ્રદર્શન દરમિયાન મહિલા કાર્યકરોએ ‘હાય રે કોંગ્રેસ હાય હાય’, ‘હાય રે પપ્પુ હાય હાય’ અને ‘રાહુલ તેરી તાનાશાહી નહીં ચલેગી’ જેવા નારા લગાવ્યા હતા. પરિસ્થિતિ તંગ બનવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસે કોંગ્રેસ કાર્યાલયની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી હતી. ભાજપની મહિલા કાર્યકરોએ કાર્યાલયમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં પોલીસે બેરિકેડિંગ કરીને તેમને અટકાવ્યાં હતાં. આ દરમિયાન બંને પક્ષના કાર્યકરો સામસામે આવી જતાં સ્થળ પર શાબ્દિક ટકરાવની સ્થિતિ સર્જાઈ હતી.
ઘટનાને પગલે પોલીસ અને ભાજપ મહિલા મોરચાની કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે વિરોધ કરી રહેલી મહિલા કાર્યકરોને અટકાયતમાં લઈ પોલીસ વાનમાં બેસાડ્યાં હતાં. સમગ્ર ઘટનાને પગલે કોંગ્રેસ કાર્યાલય અને આસપાસના વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે