
ગાંધીનગર, 12 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન થયેલી ઘટનાઓને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે બે અલગ-અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. એક ફરિયાદ પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલા હોબાળા અને પોલીસની ફરજમાં અવરોધ ઊભો કરવાના આક્ષેપો સાથે સંબંધિત છે, જ્યારે બીજી ફરિયાદ સેક્ટર-13 પોલીસ ચોકી ખાતે થયેલી ઘટના અંગે નોંધાઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
પ્રાપ્ત અહેવાલો મુજબ, પહેલી ફરિયાદમાં પેથાપુર પોલીસ સ્ટેશનમાં વોર્ડ નંબર-4ના કોંગ્રેસના ઉમેદવાર યુનુસ પરમારની પૂછપરછ દરમિયાન પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરવા, હોબાળો કરવા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ફરિયાદ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. દેસાઈની ફરિયાદના આધારે નોંધાઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
બીજી ફરિયાદ અંગે સેક્ટર-13 પોલીસ ચોકી ખાતે પોલીસ મુનાફ પઠાણની પૂછપરછ કરી રહી હતી ત્યારે જીગ્નેશ મેવાણી સહિતના લોકો ત્યાં પહોંચ્યા હોવાનો આક્ષેપ છે. પોલીસની કામગીરીમાં દખલગીરી, કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક અને ચૂંટણી આચારસંહિતાના ભંગ સહિતના મુદ્દાઓ ફરિયાદમાં ઉઠાવવામાં આવ્યા છે.
આ બંને ફરિયાદો ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન બનેલી ઘટનાઓ સાથે સંબંધિત હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ