આર્થિક સંકડામણથી કંટાળી રાજકોટના કારખાનેદારે ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
રાજકોટ, 13 ઓક્ટોબર (હિ.સ.) : આર્થિક ભીંસ વધુ એક માનવજિંદગી ભરખી ગઈ હોવાની દુઃખદ ઘટના રાજકોટ શહેરમાં સામે આવી છે. શહેરના રામેશ્વર મેઇન રોડ પર રહેતા અને કડિયા કામના ઓઝાર બનાવવાનું કારખાનુ ધરાવતા ૭૦ વર્ષીય વૃદ્ધ કારખાનેદારે આર્થિક સંકડામણથી કંટાળી આજે
મોત


રાજકોટ, 13 ઓક્ટોબર (હિ.સ.) : આર્થિક ભીંસ વધુ એક માનવજિંદગી ભરખી ગઈ હોવાની દુઃખદ ઘટના રાજકોટ શહેરમાં સામે આવી છે. શહેરના રામેશ્વર મેઇન રોડ પર રહેતા અને કડિયા કામના ઓઝાર બનાવવાનું કારખાનુ ધરાવતા ૭૦ વર્ષીય વૃદ્ધ કારખાનેદારે આર્થિક સંકડામણથી કંટાળી આજે સવારે અટીકા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. નવા મકાનના વાસ્તુના થોડા દિવસો પૂર્વે જ બનેલી આ કરૂણ ઘટનાથી પરિવારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

મળતી વિગતો અનુસાર, રામેશ્વર મેઇન રોડ પર આવેલા પીપળીયા હોલ પાસે રહેતા શાંતિલાલ મેઘજીભાઈ ચાવડા (ઉં.વ.૭૦) 'ઓમ શ્રી વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીઝ' નામે કારખાનુ ધરાવતા હતા. તેઓ દરરોજના નિત્યક્રમ મુજબ સવારે ઘર નજીક આવેલા અમરનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા. પરંતુ દર્શન કરવા ગયા બાદ લાંબો સમય વિતવા છતાં તેઓ ઘરે પરત ફર્યા નહોતા.

ઘરે પરત ન ફરતાં ચિંતિત બનેલા પરિવારે શાંતિલાલભાઈને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે ફોન રિસીવ કર્યો નહોતો. તેવામાં થોડા સમય બાદ શાંતિલાલભાઈના જ મોબાઈલ પરથી ૧૦૮ ના કર્મચારીએ પરિવારજનોને સંપર્ક કરી દુર્ઘટના અંગે જાણ કરી હતી. સ્વજનો તુરંત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં શાંતિલાલભાઈના મૃત્યુના સમાચાર મળતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક શાંતિલાલ ચાવડા ચાર ભાઈ અને એક બહેનમાં સૌથી મોટા હતા તથા સંતાનમાં તેમને બે પુત્ર અને એક પુત્રી છે. તેમણે તાજેતરમાં જ હાપલીયા પાર્કમાં નવું મકાન બનાવ્યું હતું અને આગામી તારીખ ૨૫ના રોજ તેનો વાસ્તુ પૂજનનો પ્રસંગ પણ યોજાનાર હતો. જોકે, નવા મકાનના નિર્માણ બાદ તેઓ ભારે આર્થિક સંકડામણમાં સપડાઈ ગયા હતા.

આર્થિક ભીંસના કારણે માનસિક તણાવમાં આવી જઈને તેમણે રાજકોટ-પોરબંદર ટ્રેન હેઠળ ઝંપલાવીને આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે. બનાવ અંગેની જાણ થતાં માલવીયાનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઘટના સંદર્ભે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande