


પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.)માર્ગ અકસ્માતો અટકાવવા અને ગ્રામજનોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાના હેતુથી પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નવીબંદર ગામે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામજનોને માર્ગ સલામતી અંગે સમજ આપવામાં આવી હતી.
*હાઈવે પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા સમજાવ્યા*
ટ્રાફિક પોલીસ દ્વારા નવીબંદરના સરપંચ અમિતભાઈ કાણકિયા સાથે મુલાકાત કર્યા
બાદ ગ્રામજનોને એકત્રિત કરી માર્ગ સલામતી
અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાઈવે
પર વાહન ચલાવતી વખતે નિયત લેનમાં વાહન ચલાવવું, ગતિ મર્યાદામાં રાખવી, ઓવરટેક કરતી
વખતે તકેદારી રાખવી અને આગળના વાહનથી સલામત અંતર જાળવવા સમજાવવામાં આવ્યું હતું. રાત્રિના સમયે તથા
વળાંકવાળા માર્ગો પર વિશેષ સાવચેતી રાખવા પણ અપીલ કરાઈ હતી.
*હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગ પર ભાર*
ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવા, ફોર-વ્હીલર ચાલકોને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા તથા
વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા
સમજાવવામાં આવ્યું હતું. ઉપરાંત, રોંગ સાઇડમાં વાહન ન ચલાવવા અને
ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવા માર્ગદર્શન
અપાયું હતું.પોલીસે ગ્રામજનોને જણાવ્યું હતું કે
ટ્રાફિક નિયમોનું પાલન માત્ર
કાયદાકીય જવાબદારી નથી, પરંતુ પોતાના અને અન્ય લોકોના અમૂલ્ય જીવનની સુરક્ષા માટે પણ
જરૂરી છે. થોડી બેદરકારી ગંભીર અકસ્માતનું કારણ બની શકે
છે, તેથી દરેક વાહનચાલકે જવાબદારીપૂર્વક વાહન ચલાવવું
જોઈએ. માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા અને
માનવજીવનનું રક્ષણ કરવાના હેતુથી આવા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya