
પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.) : પોલીસ વિભાગના ગુપ્ત અહેવાલના આધારે, પોરબંદર મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા
માધવપુર એફ.એલ.સી. ખાતેથી ગેરકાયદેસર રીતે એલ.ઈ.ડી. (LED) લાઈટ લગાવીને માછીમારી કરતી ત્રણ
પીલાણા બોટોને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માધવપુર બંદર પાસેના
માછીયારા વિસ્તારના કેટલાક ઈસમો લાઈટ ફિશિંગ કરતાં હોવાનું ધ્યાને આવ્યું હતું.
દરિયાઈ જીવસૃષ્ટિને ભારે નુકસાન પહોંચાડતી આ પ્રવૃત્તિ અંગે ગુપ્ત રિપોર્ટ ફિશરીઝ
વિભાગ, પોરબંદરને મળતા ‘ગુજરાત મત્સ્યોદ્યોગ
(સુધારા) નિયમો, 2025’ અંતર્ગત રાજ્યમાં લાઈન ફિશિંગ અને
લાઈટ ફિશિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય, નિયમોના ભંગ બદલ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક પોરબંદરની કચેરી દ્વારા
આ ત્રણેય બોટ માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં જુમાભાઇ હારૂનભાઇ પટેલીયા, બોટ સમ્મા (IND-GJ-25-MO-6095),અખતર કરીમભાઇ લુચાણી, બોટ મુસ્કાન / સૈયદ મદની (IND-GJ-25-MO-6979) અનેસકિલ અબ્દુલભાઇ લુચાણી, બોટ
હાજી પીર કિ દિવાની (IND-GJ-25-MO-7016)ને રૂ. 10,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. તથા આ
માછીમારી હોડીઓના ટોકન હાલ બંધ કરવામાં આવ્યા છે.
આ દંડની આ રકમ સરકારી કચેરીમાં જમા કરાવ્યા બાદ
જ આ બોટોને ફરી માછીમારી માટેના ટોકન આપવામાં આવશે. આ ઉપરાંત પોરબંદર ફિશરીઝ વિભાગ
દ્વારા નવીબંદર, મિયાણી, પોરબંદર અને માધવપુર મરીન પોલીસ સ્ટેશન તેમજ ફિશરીઝ ગાર્ડ્સને આવી
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા દયાને આવે તો તેની તાત્કાલિક જાણ મત્સ્યોદ્યોગ
ઓફિસને કરવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya