‘મિશન ફ્યુજિટિવ’ હેઠળ પોલીસની કાર્યવાહી: જામનગરમાંથી એક વર્ષથી નાસતા આરોપીને ઝડપી પાડ્યો
ગાંધીધામ એ ડિવિઝનના પ્રોહિબિશન કેસમાં પેરોલ-ફર્લો સ્ક્વોડની સફળતા, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી ઝડપાયો કચ્છ, 16 ઓક્ટોબર (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં ગુનાના કેસોમાં લાંબા સમયથી પોલીસની પકડથી દૂર રહેલા આરોપીઓ તેમજ તપાસ દર
ગાંધીધામ પોલીસનો વોન્ટેડ આરોપી


ગાંધીધામ એ ડિવિઝનના પ્રોહિબિશન કેસમાં પેરોલ-ફર્લો સ્ક્વોડની સફળતા, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી ઝડપાયો

કચ્છ, 16 ઓક્ટોબર (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં ગુનાના કેસોમાં લાંબા સમયથી પોલીસની પકડથી દૂર રહેલા આરોપીઓ તેમજ તપાસ દરમિયાન નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. આ અભિયાનના ભાગરૂપે પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નાયબ પોલીસ અધિક્ષક એ.વી. રાજગોરના સુપરવિઝન હેઠળ પેરોલ-ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાની આગેવાનીમાં ટીમે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાના ફરાર આરોપી અંગે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપી જામનગર ખાતે હોવાની માહિતી મળી હતી. મળેલી બાતમીના આધારે ટીમે જરૂરી તપાસ અને આયોજન કર્યા બાદ જામનગર પહોંચીને આરોપીને ઝડપી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપીની ઓળખ પ્રવિણ ઉર્ફે પવી લક્ષ્મીદાસ કરમશીભાઈ ગજરા (ભાનુશાળી), ઉંમર 39 વર્ષ, તરીકે થઈ છે. તે જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર 1299/2025માં પ્રોહિબિશન અધિનિયમની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર હતો.

આ સમગ્ર કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક એ.વી. રાજગોર, પેરોલ-ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. ઝાલા અને ટીમના અન્ય પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. ‘મિશન ફ્યુજિટિવ’ હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીથી લાંબા સમયથી ફરાર આરોપીઓને શોધી કાઢવાના પોલીસના પ્રયાસોને વધુ મજબૂતી મળી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande