સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ઇન્ટર-હાઉસ ક્રોસ-કન્ટ્રી ચેમ્પિયનશિપ યોજાઈ, 'સરદાર પટેલ હાઉસ' વિજેતા
જામનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) : સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે કેડેટ્સમાં શારીરિક તંદુરસ્તી, શિસ્ત, ટીમવર્ક અને ખેલદિલીની ભાવના વિકસાવવાના હેતુથી ''ઇન્ટર-હાઉસ ક્રોસ-કન્ટ્રી ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭''નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના તમામ કેડેટ
સૈનિક સ્કૂલ બાલાચડીની સ્પર્ધા


જામનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) : સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે કેડેટ્સમાં શારીરિક તંદુરસ્તી, શિસ્ત, ટીમવર્ક અને ખેલદિલીની ભાવના વિકસાવવાના હેતુથી 'ઇન્ટર-હાઉસ ક્રોસ-કન્ટ્રી ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના તમામ કેડેટ્સે આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ શિસ્ત, આત્મવિશ્વાસ અને રમતગમત પ્રત્યેનું સમર્પણ દર્શાવીને પડકારજનક દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

સ્પર્ધાનું આયોજન વયજૂથ અનુસાર ત્રણ અલગ-અલગ વિભાગોમાં કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૯થી ૧૧ના કેડેટ્સ માટેના ગ્રુપ Aમાં ૧૦ કિમી, ધોરણ ૭ અને ૮ના કેડેટ્સ માટેના ગ્રુપ Bમાં ૫ કિમી તથા ધોરણ ૬ના કેડેટ્સ માટેના ગ્રુપ Cમાં ૩ કિમીની દોડ રાખવામાં આવી હતી. દરેક જૂથના કેડેટ્સે દૃઢ નિશ્ચય અને ઉત્સાહ સાથે પોતાની દોડ પૂર્ણ કરીને શાનદાર કૌશલ્ય દાખવ્યું હતું.

વ્યક્તિગત સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ગ્રુપ Aમાં ગરૂડ હાઉસના ધોરણ ૧૦ના કેડેટ પ્રિન્સ રાજપૂતે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ગ્રુપ Bમાં ટાગોર હાઉસના ધોરણ ૮ના કેડેટ પરીક્ષિત રાજપૂતે અને ગ્રુપ Cમાં નેહરુ હાઉસના ધોરણ ૬ના કેડેટ જ્ઞાન મૈતેઈએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. હાઉસ ચેમ્પિયનશિપમાં શાનદાર ટીમવર્ક સાથે સિનિયર ગ્રુપમાં 'સરદાર પટેલ હાઉસ' અને જુનિયર ગ્રુપમાં 'નેહરુ હાઉસ' વિજેતા બન્યા હતા.

શાળાના પ્રિન્સિપાલ ગ્રુપ કેપ્ટન ઉજ્જવલ ઘોરમાડે અને વિંગ કમાન્ડર કે. મારુતિ દેવી (નિવૃત્ત)ના હસ્તે વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. પ્રિન્સિપાલે રમતગમતને સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવી તમામ કેડેટ્સને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ઇન્ચાર્જ શિક્ષક પિયુષ વિરમગામાએ કર્યું હતું, જેમાં વાઇસ પ્રિન્સિપાલ સ્ક્વોડ્રન લીડર રાકેશ તિવારી અને સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande