
નવી દિલ્હી, 21 ઓક્ટોબર (હિ.સ.). કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે અહીં વિઝન આઈએએસ કોચિંગ સંસ્થાના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે રાજકીય વર્તુળોમાં રાહુલ ગાંધીના વિયેતનામ પ્રવાસ પર હોવાની ચર્ચા છે. આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર રહ્યાં હતાં. કોંગ્રેસના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મુલાકાતની તસવીરો શેર કરતા જણાવાયું કે, વિદ્યાર્થીઓએ સંસ્થામાં અભ્યાસ, માર્ગદર્શન અને અભ્યાસ સામગ્રીની ગુણવત્તામાં ઘટાડો તથા ફી પરત કરવાની માંગ પર મેનેજમેન્ટ તરફથી જવાબ ન મળવાની ફરિયાદ કરી. કોંગ્રેસે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ શિક્ષણની ગુણવત્તા, માર્ગદર્શન અને અભ્યાસ સામગ્રીના સ્તરમાં ઝડપી ઘટાડા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. કોંગ્રેસ મુજબ, વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ફી પરત કરવાની તેમની માંગ પર સંસ્થાનું મેનેજમેન્ટ જવાબ આપી રહ્યું નથી.
આ પહેલાં ભાજપે સોમવારે એક્સ પર એક વીડિયો શેર કરતા દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધી વિયેતનામ જઈ રહ્યા છે. ભાજપે આ વીડિયો સાથે કટાક્ષ કરતા લખ્યું હતું કે જૂઠ ફેલાવતા-ફેલાવતા થાક્યા પછી તેઓ થોડા દિવસ ફરવા જઈ રહ્યા છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી એક વિમાનમાં બેઠેલા દેખાઈ રહ્યા છે. આ પછી મંગળવારે શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં રાઉત કહી રહ્યા છે કે, રાહુલ ગાંધી વિયેતનામ ગયા છે, તેમના આવ્યા પછી અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ વીડિયો શેર કરીને સવાલ કરવામાં આવ્યો હતો કે, રાહુલ ગાંધી વિયેતનામમાં કોને મળવાના છે? દેશની સરહદોની બહાર આવી કઈ યોજના થઈ રહી છે? તેમના ભારત પાછા ફર્યા પછી એવું શું બદલાઈ જશે? પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, આખરે સંજય રાઉત આવા નિવેદનો શા માટે આપી રહ્યા છે?
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ