
ભોપાલ, નવી દિલ્હી, 21 ઓક્ટોબર (હિ.સ.). મધ્યપ્રદેશમાં ડ્યુટી દરમિયાન શહીદ થનારા પોલીસકર્મીઓના પરિવારોને મળતી એક કરોડ રૂપિયાની સહાય રાશિ હવે ફક્ત પત્નીને જ નહીં, પરંતુ તેમના વૃદ્ધ માતા-પિતાને પણ આપવામાં આવશે. સરકારે સહાય રાશિના 50 ટકા શહીદની પત્ની અને 50 ટકા તેમના વૃદ્ધ માતા-પિતાને આપવાનો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી ડો. મોહન યાદવે, બુધવારે ભોપાલના લાલ પરેડ મેદાનમાં આયોજિત પોલીસ સ્મૃતિ દિવસના સમારોહમાં સંબોધન કરતા આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે, પારિવારિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, મધ્યપ્રદેશનું 35 વર્ષ જૂના નક્સલવાદના દંશમાંથી બહાર આવવું રાજ્ય માટે ગર્વની વાત છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાજ્યે આ પડકાર પર વિજય મેળવ્યો છે. આ લડાઈમાં પોલીસ જવાનોએ કઠિન પરિસ્થિતિઓનો સામનો કર્યો અને પોતાના પ્રાણોની આહુતિ પણ આપી.
પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) કૈલાશ મકવાણાએ જણાવ્યું કે, 1 સપ્ટેમ્બર, 2025 થી 31 ઓગસ્ટ, 2026 ની વચ્ચે મધ્યપ્રદેશ પોલીસના 9 અધિકારી-કર્મચારીઓ ફરજ નિભાવતી વખતે શહીદ થયા. તેમણે કહ્યું કે, પોલીસ સેવા ફક્ત નોકરી નહીં, પરંતુ જવાબદારી, સમર્પણ અને ત્યાગનો સંકલ્પ છે. શહીદોના પરિવારો પોલીસ પરિવારનો હિસ્સો છે અને તેમનું ધ્યાન રાખવું પોલીસ વિભાગની નૈતિક જવાબદારી છે.
ડીજીપીએ હૉક ફોર્સના દિવંગત નિરીક્ષક આશિષ શર્માના બલિદાનનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, આશિષ શર્મા લાંબા સમય સુધી બાલાઘાટના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત રહ્યા અને અનેક અથડામણોમાં વીરતા અને સમજદારીનો પરિચય આપ્યો. તેમના બલિદાન પછી મધ્યપ્રદેશ પોલીસે નક્સલ વિરોધી અભિયાનોને વધુ ગતિ આપી.
ડીજીપીના મતે, વર્ષ 2025 નક્સલ વિરોધી અભિયાનોની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રહ્યું. ચોમાસા દરમિયાન પણ અભિયાન ચાલુ રહ્યા. આ જ વર્ષે સૌથી વધુ અથડામણો અને આત્મસમર્પણ થયા. આ દરમિયાન 110 પોલીસ અધિકારી-કર્મચારીઓને આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપવામાં આવ્યા. દિવંગત નિરીક્ષક આશિષ શર્માના ભાઈને અનુકંપા નિમણૂક પણ આપવામાં આવી છે.
ડીજીપી કૈલાશ મકવાણાએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શાહે માર્ચ 2026 સુધીમાં દેશને નક્સલવાદથી મુક્ત કરવાનો સંકલ્પ લીધો હતો. મુખ્યમંત્રી ડો. યાદવના નેતૃત્વમાં મધ્યપ્રદેશ પોલીસે કાર્યયોજના તૈયાર કરીને અભિયાન ચલાવ્યું. તેમના અનુસાર, મધ્યપ્રદેશ 11 ડિસેમ્બર 2025 ના રોજ દેશનું પ્રથમ નક્સલ મુક્ત રાજ્ય બન્યું.
ડીજીપીએ કહ્યું કે, નક્સલવાદ લાંબા સમય સુધી દેશની આંતરિક સુરક્ષા સામે મોટો પડકાર રહ્યો. મધ્યપ્રદેશમાં નક્સલવાદી હુમલાઓમાં 38 સુરક્ષા જવાનો અને 58 નાગરિકોએ જીવ ગુમાવ્યા. તેમણે કહ્યું કે, નક્સલ વિરોધી અભિયાનમાં પોલીસ અધિકારીઓ અને જવાનોના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ પર 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના કેવડિયામાં વિશેષ પરેડનું આયોજન કરવામાં આવશે. ડીજીપીના મતે, તેની થીમ ‘નક્સલમુક્ત ભારત’ રાખવામાં આવી છે. મધ્યપ્રદેશ હૉક ફોર્સની ટુકડી અને બેન્ડ પણ તેમાં ભાગ લેશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ