
રાજકોટ, 23 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં લોકોના આરોગ્ય અને જિંદગી સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા બોગસ તબીબો સામે પોલીસે લાલ આંખ કરીને વ્યાપક ઝુંબેશ હાથ ધરી છે. એસ.ઓ.જી. તથા સ્થાનિક પોલીસની ટીમોએ એક જ દિવસમાં અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડીને મેડિકલ ડિગ્રી વગર એલોપેથિક સારવાર આપતા કુલ 17 બોગસ ડોકટરોને પકડી પાડ્યા છે. આ કામગીરી દરમિયાન ક્લિનિકોમાંથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, સિરિંજ, નીડલ અને મેડિકલ પ્રેક્ટિસને લગતો રૂ. 3,05,229 નો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
દરોડા દરમિયાન જેતપુર તાલુકાના ચાંપરાજપુર ગામે 'સાહેબનું ક્લિનિક' ચલાવતો રફીક હુસેન ગરાણા ધોરણ-12 પાસ હોવા છતાં છેલ્લા 25 વર્ષથી ગેરકાયદે પ્રેક્ટિસ કરતો મળી આવ્યો હતો, જેની પાસેથી રૂ. 4,488 નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પડધરીના ગીતા નગર ખાતે કોઈપણ ડિગ્રી વગર એલોપેથિક દવાખાનું ચલાવતો હરિપ્રસાદ નાનાલાલ જાની (ધોરણ-11 પાસ) છેલ્લા 20 વર્ષથી તબીબ તરીકે સક્રિય હતો, જેના ક્લિનિકમાંથી રૂ. 5,957 નો માલસામાન જપ્ત થયો છે.
શાપર-વેરાવળમાં પંચાયત ઓફિસ પાછળ 'સુમન ક્લિનિક' ચલાવતો મૂળદાસ નરશી નિમાવત (ધોરણ-11 પાસ) છેલ્લા 7 વર્ષથી બોગસ પ્રેક્ટિસ કરતો હતો, જેની પાસેથી રૂ. 10,989 નો મુદ્દામાલ કબજે કરાયો છે. જ્યારે જસદણના લીલાપુર ગામે 'દેસાણી ક્લિનિક' ધરાવતો અરવિંદ પ્રભુદાસ દેસાણી (ધોરણ-10 પાસ) છેલ્લા 5 વર્ષથી લોકોના આરોગ્ય સાથે રમત રમતો હતો, જેની પાસેથી રૂ. 1,208 નો મુદ્દામાલ પકડાયો છે. જેતપુર તાલુકાના વાવડી ગામમાં મેઇન બજારમાં 'વણપરીયા ક્લિનિક' ચલાવતો જનક નટુ વણપરિયા (ધોરણ-10 પાસ) પણ છેલ્લા 5 વર્ષથી ડિગ્રી વગર સક્રિય હતો અને તેની પાસેથી રૂ. 10,813 નો સામાન મળ્યો છે.
કોટડાસાંગાણીના રાજપરા ગામે 'મહાદેવ ક્લિનિક' ચલાવતો ભાવેશ રમેશ કોઠીયા (ધોરણ-11 પાસ) છેલ્લા 4 વર્ષથી પ્રેક્ટિસ કરતો પકડાયો છે, જેના ક્લિનિકમાંથી રૂ. 2,002 નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. જેતપુર શહેરના કણકીયા પ્લોટ વિસ્તારમાં ચુનાની ભઠ્ઠી પાસે મનીષ ઉર્ફે નથની જગદીશ પાસવાન (ધોરણ-12 પાસ) છેલ્લા 4 વર્ષથી ગેરકાયદે પ્રેક્ટિસ કરતો હતો, જેની પાસેથી રૂ. 11,548 નો મુદ્દામાલ મળ્યો છે. જેતપુરમાં જ વડનગર રોડ પર 'વૈદ ક્લિનિક' ચલાવતો ધ્રુવ નરેન્દ્ર ઠાકોર (ધોરણ-12 પાસ) પણ 4 વર્ષથી સક્રિય હતો અને તેની પાસેથી રૂ. 44,673 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
શાપર ગામમાં શ્રાવણી હેલ્થકેર સેન્ટર ચલાવતો અમરકુમાર ગોકુલચંદ દાસ (ધોરણ-12 પાસ) છેલ્લા 3 વર્ષથી દવાખાનું ચલાવતો હતો અને તેની પાસેથી રૂ. 25,873 નો સામાન કબ્જે થયો છે. પાટણવાવના કલાણા ગામે 'બંસીધર ક્લિનિક' ધરાવતો અલ્પેશકુમાર મનસુખ સોલંકી (ધોરણ-12 પાસ) 2 વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો, જેની પાસેથી રૂ. 78,372 નો મુદ્દામાલ પકડાયો છે. જસદણના કાળાસર ગામે ગ્રેજ્યુએટ થયેલો સંતોષકુમાર શંકરરામ 2 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો, જેના પર કાર્યવાહી કરી રૂ. 15,670 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગોંડલના દૈયા ગામે ગ્રેજ્યુએટ થયેલો ઈર્શાદ ફીરોજ નકાણી 2 વર્ષથી દવાખાનું ચલાવતો હોવાનું ખુલતા રૂ. 8,875 નો માલસામાન કબ્જે કરાયો છે. જામકંડોરણાના સોળવદર ગામે 'રામાણી ક્લિનિક' ચલાવતો હીરેન ચંદુ રામાણી (ધોરણ-12 પાસ) 2 વર્ષથી સક્રિય હતો અને તેની પાસેથી રૂ. 30,426 નો સામાન ઝડપાયો છે.
જસદણના આંબરડી ગામે 'તુલસી ક્લિનિક' ચલાવતો ચંદુભાઈ વાલજીભાઈ સોલંકી (ધોરણ-12 પાસ) 1 વર્ષથી બોગસ પ્રેક્ટિસ કરતો હતો, જેની પાસેથી રૂ. 1,350 નો સામાન પકડાયો છે. મેટોડા જીઆઈડીસીમાં 'તુલસી ક્લિનિક' ધરાવતો પ્રિયાંશુ અશ્વિન મેંદપરા (ગ્રેજ્યુએટ) 1 વર્ષથી ગેરકાયદે સારવાર આપતો હતો અને તેની પાસેથી રૂ. 1,763 નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. જેતપુર ઉદ્યોગનગરમાં 'માશા અલ્લાહ ક્લિનિક' ચલાવતો હાજીબસીર હાજીહબીબ નેવીવાલ (ધોરણ-10 પાસ) છેલ્લા 7 મહિનાથી સક્રિય હતો, જેના કબ્જામાંથી રૂ. 7,935 નો માલસામાન મળ્યો છે. પાટણવાવના ભાડેર ગામે 'શિવ ક્લિનિક' ચલાવતો સાવન હરસુખ દોમડીયા (ધોરણ-12 પાસ) છેલ્લા 4 મહિનાથી પ્રેક્ટિસ કરતો હોવાનું બહાર આવતા રૂ. 44,837 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
પોલીસની આ કડક કાર્યવાહીના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ખોલીને બેઠેલા અનેક બોગસ તબીબો પોતાના દવાખાનાને તાળા મારીને ભાગી છૂટ્યા છે. એસ.ઓ.જી. પીઆઈ એફ. એ. પારગી, પીએસઆઈ પી. કે. મિશ્રા, પીએસઆઈ જી. જે. ઝાલા તથા સ્થાનિક પોલીસ ટીમો દ્વારા તમામ આરોપીઓ સામે મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt