રાજકોટમાં 28 વર્ષથી પ્રેક્ટિસ કરતા બોગસ તબીબની ધરપકડ
રાજકોટ, 24 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ નજીક આવેલા આંબેડકરનગરમાં એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે દરોડો પાડીને એલોપેથીની યોગ્ય ડિગ્રી વિના જ દવાખાનું ચલાવતા ૬૫ વર્ષીય વૃદ્ધ તબીબની અટકાયત કરી છે. હોમિયોપેથીની ડિગ્રી હોવા છતાં
બોગસ ડોક્ટરની ધરપકડ


રાજકોટ, 24 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ નજીક આવેલા આંબેડકરનગરમાં એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે દરોડો પાડીને એલોપેથીની યોગ્ય ડિગ્રી વિના જ દવાખાનું ચલાવતા ૬૫ વર્ષીય વૃદ્ધ તબીબની અટકાયત કરી છે. હોમિયોપેથીની ડિગ્રી હોવા છતાં એલોપેથીક દવાઓ આપીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આ બોગસ ડોક્ટરની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી છેલ્લા ૨૮ વર્ષથી 'મુન્નાભાઈ એમબીબીએસ' બનીને ક્લિનિક ચલાવતો હતો.

શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી બી. બી. બસીયાની સૂચનાથી નકલી ડોક્ટરો સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એસઓજી પીઆઈ એન. બી. ચૌધરીની રાહબરી હેઠળ પીએસઆઈ એમ. વી. જાડેજા અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન મિલી ચોક્કસ બાતમીના આધારે આંબેડકરનગર શેરી નં. ૧ના ખૂણે આવેલા ‘જનરલ પોલીક્લિનિક’ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન કલીનિકમાંથી હાજર શખ્સની પૂછપરછ કરતા તેનું નામ વાજસુર ઉર્ફે વિજય આપાભાઇ સુરૂ (ઉંમર વર્ષ ૬૫, રહે. ગીતાંજલી સોસાયટી, કૃષ્ણનગર મેઇન રોડ) હોવાનું ખુલ્યું હતું. તેની તપાસ કરતા માલૂમ પડ્યું કે તેની પાસે એલોપેથીક તબીબ તરીકે પ્રેક્ટિસ કરવાની કોઈ માન્ય ડિગ્રી ન હતી. પોલીસે ક્લિનિકમાંથી મેડિકલ સાધનો, એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન અને રોકડ રકમ મળી કુલ રૂ. ૯૪,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપી સામે માલવીયાનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ પોતે ૧૯૯૩ કે ૧૯૯૫ની સાલમાં બોટાદની એક ઇન્સ્ટિટ્યૂટમાંથી હોમિયોપેથીની ડિગ્રી મેળવી હોવાનું જણાવ્યું હતું. તે છેલ્લા ૨૮ વર્ષથી આ જગ્યા પર ક્લિનિક ચલાવતો હતો. હાલ પોલીસે તેની હોમિયોપેથીક ડિગ્રીની ખરાઈ કરવા સહિતની આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande