વડાપ્રધાન મોદી 30 ઑક્ટોબરે ભીલડીથી બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતેના, નવા બાયો-સીએનજી પ્લાન્ટ્સનું ખાતમુહૂર્ત કરશે
થરાદ પ્લાન્ટમાં પ્રતિદિન 75 મેટ્રિક ટન અને રાધનપુર ખાતેના પ્લાન્ટમાં પ્રતિદિન 100 મેટ્રિક ટન છાણનું પ્રોસેસિંગ કરી શકાશે - સ્વચ્છ ઊર્જા અને સેન્દ્રિય ખાતરના ઉત્પાદનને વેગ મળશે - નવા બે પ્લાન્ટ્સ સાથે બનાસ ડેરીના બાયો-સીએનજી પ્લાન્ટ્સની સંખ્યા છ
બાયો-સીએનજી પ્લાન્ટ્સ


બાયો-સીએનજી પ્લાન્ટ્સ


- થરાદ પ્લાન્ટમાં પ્રતિદિન 75 મેટ્રિક ટન અને રાધનપુર ખાતેના પ્લાન્ટમાં પ્રતિદિન 100 મેટ્રિક ટન છાણનું પ્રોસેસિંગ કરી શકાશે

- સ્વચ્છ ઊર્જા અને સેન્દ્રિય ખાતરના ઉત્પાદનને વેગ મળશે

- નવા બે પ્લાન્ટ્સ સાથે બનાસ ડેરીના બાયો-સીએનજી પ્લાન્ટ્સની સંખ્યા છ થશે.

ગાંધીનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 ઑક્ટોબર, 2026ના રોજ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી થરાદ અને રાધનપુર સ્થિત બનાસ ડેરીના બે નવા બાયો-સીએનજી (Bio-CNG) પ્લાન્ટ્સનું ખાતમુહૂર્ત કરશે. બંને પ્લાન્ટ્સમાં સંયુક્ત રીતે પ્રતિદિન 175 મેટ્રિક ટન છાણનું પ્રોસેસિંગ કરી શકાશે. આ પ્લાન્ટ્સથી સ્વચ્છ ઊર્જા અને સેન્દ્રિય ખાતરના ઉત્પાદનને વેગ મળવાની સાથે પશુપાલકોને વધારાની આવક પણ પ્રાપ્ત થશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે.

પશુપાલકો માટે વરદાન સમાન ‘બનાસ મૉડલ’

બનાસકાંઠા જિલ્લામાં ડેરી સહકારી પ્રવૃત્તિઓનું વ્યાપક નેટવર્ક છે. બનાસ ડેરી પશુઓના છાણનો ઉપયોગ કરીને તેનાથી બાયો-સીએનજી અને ખેતી માટે ઉપયોગી સેન્દ્રિય ખાતરનું ઉત્પાદન કરી રહી છે. આ મૉડલ હેઠળ પશુપાલકો પાસેથી છાણની ખરીદી કરવામાં આવે છે, જેના બદલામાં તેમને પૂરક આવક મળે છે. પ્લાન્ટમાં છાણના પ્રોસેસિંગથી બાયો-સીએનજી તૈયાર થાય છે, જેનો ઉપયોગ વાહનોમાં ઇંધણ તરીકે થઈ શકે છે. પ્રોસેસિંગ બાદ બાકી રહેતી સ્લરીમાંથી ઘન અને પ્રવાહી સેન્દ્રિય ખાતર તૈયાર કરીને ‘ભૂમિ અમૃત’ બ્રાન્ડ હેઠળ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ગોબરમાંથી તૈયાર થતો બાયો-સીએનજી સામાન્ય સીએનજીની સરખામણીએ રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બનાસ ડેરી દ્વારા દરરોજ આશરે 6,100 કિલોગ્રામ બાયો-સીએનજીનું વેચાણ કરવામાં આવે છે.

બનાસકાંઠામાં ચાર કાર્યરત બાયો-સીએનજી પ્લાન્ટ્સ દ્વારા દરરોજ 340 મેટ્રિક ટન છાણનું પ્રોસેસિંગ

બનાસકાંઠા જિલ્લામાં અંદાજે 28 લાખ પશુધન છે, જેમાંથી આશરે 24 લાખ પશુઓ બનાસ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો પાસે છે. આ પશુધનમાંથી દરરોજ આશરે 24,000 મેટ્રિક ટન છાણનું ઉત્પાદન થતું હોવાનો અંદાજ છે. બનાસ ડેરીએ વર્ષ 2020માં ડીસા તાલુકાના દામા ખાતે પ્રતિદિન 40 મેટ્રિક ટન છાણના પ્રોસેસિંગની ક્ષમતા ધરાવતા કમ્પ્રેસ્ડ બાયો-ગેસ (CBG) પ્લાન્ટમાં ઉત્પાદન અને વેચાણની શરૂઆત કરી હતી. ત્યારબાદ સુઝુકી મોટર કોર્પોરેશન અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) સાથેની ભાગીદારીમાં આગથળા, ભૂખલા અને વીંછીવાડી ખાતે પ્રતિદિન 100 મેટ્રિક ટન છાણના પ્રોસેસિંગની ક્ષમતા ધરાવતા ત્રણ પ્લાન્ટ્સ શરૂ કરવામાં આવ્યા હતા.

હાલમાં આ ચાર કાર્યરત પ્લાન્ટ્સ સંયુક્ત રીતે દરરોજ આશરે 340 મેટ્રિક ટન છાણનું પ્રોસેસિંગ કરે છે. આ પ્લાન્ટ્સની ઉત્પાદન ક્ષમતા મુજબ દરરોજ આશરે 6,150 કિલોગ્રામ બાયો-સીએનજી, 83 મેટ્રિક ટન ઘન સેન્દ્રિય ખાતર અને 260 મેટ્રિક ટન પ્રવાહી સેન્દ્રિય ખાતરનું ઉત્પાદન થઈ શકે છે. થરાદ ખાતે પ્રતિદિન 75 મેટ્રિક ટન અને રાધનપુર ખાતે પ્રતિદિન 100 મેટ્રિક ટન છાણના પ્રોસેસિંગની ક્ષમતા ધરાવતા નવા પ્લાન્ટ્સ શરૂ થતાં બનાસ ડેરીના પ્લાન્ટ્સની સંખ્યા છ થશે અને સંયુક્ત દૈનિક ક્ષમતા 515 મેટ્રિક ટન પર પહોંચશે.

ખુલ્લામાં પડેલા છાણમાંથી મિથેન વાયુ ઉત્સર્જિત થાય છે, જે 100 વર્ષના ગાળામાં કાર્બન ડાયોક્સાઇડ કરતાં આશરે 28 ગણી વધુ ગરમી પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. બનાસ ડેરીનું બાયો-સીએનજી મૉડલ આ મિથેનને સ્વચ્છ બળતણમાં રૂપાંતરિત કરીને ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ બને છે. બનાસ ડેરીના અંદાજ મુજબ, છ બાયો-સીએનજી પ્લાન્ટ્સ સંયુક્ત રીતે વાર્ષિક અંદાજે 33,400થી 34,600 ટન કાર્બન ઉત્સર્જન અટકાવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande