ચોરવાડમાં જિયો પ્લેટફોર્મ્સના લિસ્ટિંગની ધમાકેદાર ઉજવણી: સમૂહ ભોજન અને લોકડાયરો યોજાયો
જામનગર-ચોરવાડ, 29 ઓક્ટોબર (હિ.સ.) સ્વ.ધીરુભાઈ અંબાણીના જન્મસ્થળ ચોરવાડમાં જિયો પ્લેટફોર્મ્સના સફળ અને ઐતિહાસિક લિસ્ટિંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ૨૫,૦૦૦થી વધુ ગ્રામજનો માટે સમૂહ ભોજન અને સાંસ્કૃતિક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ
ચોરવાડમાં રિલાયન્સ ફાઉન્ડેશનનો જમણવાર


જામનગર-ચોરવાડ, 29 ઓક્ટોબર (હિ.સ.) સ્વ.ધીરુભાઈ અંબાણીના જન્મસ્થળ ચોરવાડમાં જિયો પ્લેટફોર્મ્સના સફળ અને ઐતિહાસિક લિસ્ટિંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ૨૫,૦૦૦થી વધુ ગ્રામજનો માટે સમૂહ ભોજન અને સાંસ્કૃતિક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.

જિયો પ્લેટફોર્મ્સના પબ્લિક ઇશ્યુના ૨૧ ટકા કરતાં વધુ પ્રીમિયમ સાથેના ધમાકેદાર લિસ્ટિંગના માનમાં ચોરવાડ ખાતે દ્વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. બુધવારે રાત્રે યોજાયેલા આ કાર્યક્રમમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચોરવાડવાસીઓ સાથે જૂના સંસ્મરણો વાગોળ્યા હતા.

પરિમલ નથવાણીએ ૧૯૯૫માં ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન સાથેની ચોરવાડ તથા કુકસવાડાની મુલાકાતને યાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ધીરુભાઈના સ્વપ્ન સમાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જેમ જ જિયો પ્લેટફોર્મ્સે પણ વૈશ્વિક સ્તરે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે, જે દેશ અને અંબાણી પરિવાર બંને માટે ગૌરવની બાબત છે.

ભૂતકાળમાં રિલાયન્સના આઈપીઓ વખતે રોકાણકારોએ જે વિશ્વાસ મૂક્યો હતો, તે જ વિશ્વાસ આજે પણ અંબાણી પરિવાર પર અકબંધ રહ્યો છે. ધીરુભાઈએ સ્થાપેલી વારસાની પરંપરાને આગળ ધપાવતાં આ નવી સિદ્ધિની ઉજવણીમાં પણ અંબાણી પરિવારે પોતાના વતન ચોરવાડને પ્રાધાન્ય આપીને સંબંધોની ગાઢતા સાબિત કરી છે.

કાર્યક્રમ દરમિયાન ચોરવાડમાં કાર્યરત ધીરુભાઈ અંબાણી મેડિકલ અને કમ્પ્યુટર સેન્ટર, એચ.જી.અંબાણી ગર્લ્સ હાઈસ્કૂલ અને કુકસવાડામાં નિર્મિત નવી સ્કૂલ જેવી શૈક્ષણિક અને સામાજિક સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ વૈશ્વિક સફળતામાં મળેલા સહયોગ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં ૨૫,૦૦૦થી વધુ લોકોએ પ્રીતિભોજન લીધું હતું. ત્યારબાદ યોજાયેલા લોકડાયરામાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને ઉર્વશીબેન રાદડિયાએ ગાયનથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા, જ્યારે હાસ્ય કલાકાર હિતેશ અંટાળાએ રજૂઆતોથી સૌને હસાવ્યા હતા. આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande