
જુનાગઢ, 29 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે આગામી તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ શહેરમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ભવ્ય ઉજવણી આયોજન અંતર્ગત શહેરમાં યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા અને વ્યુહરચના નક્કી કરવા માટે તા.૨૯ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ જૂનાગઢ મહાનગરપાલિકાનાં વીર સાવરકર મીટીંગ હોલ ખાતે મળેલ આ બેઠકમાં મેયર ધર્મેશ ડી.પોશીયા,નધારાસભ્ય સંજય કોરડીયા, કમિશનર આઈ.આર.વાળા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતામનનભાઈ અભાણી, શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, નાયબ કમિશનર કેતન સી. વાઘેલા તથા જયેશ પી.વાજા સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ, શિક્ષણ વિભાગ,પોલીસ વિભાગ સહીતના વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી સમગ્ર આયોજનને સફળ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.
જેમાં રાષ્ટ્રીય એકતા,અખંડિતતા અને સામાજિક સમરસતાનો સંદેશ લોકહૈયા સુધી પહોંચાડવાના આ હેતુસર તા:૩૧/૧૦/૨૦૨૬ સવારે ૯:૦૦ કલાકે જીમખાના પાસે તથા સવારે ૯:૩૦ કલાકે પાદર ચોક,જોષીપરા ખાતે સરદાર સાહેબની પ્રતિમાને સૂતરની આંટી અને ફૂલહાર અર્પણ કરવામાં આવશે.ત્યારબાદ બપોરે ૩:૩૦ કલાકે જીમખાના સ્થિત સરદાર પટેલ પ્રતિમાથી પ્રારંભ થઈ કાળવા ચોક અને રાણાવાવ ચોક થઈને એ.જી. સ્કૂલ મેદાન સુધી એકતા રેલી યોજાશે.
ઉપરાંત,સાંજે ૫:૦૦ કલાકે એ.જી. સ્કૂલ મેદાન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ, સન્માન સમારોહ, એકતા પરેડનું જીવંત પ્રસારણ તેમજ પ્રધાનમંત્રીનું ઉદ્બોધન યોજાનાર છે, જે સમાંતર રૂપે શહેરના ૧ થી ૧૫ તમામ વોર્ડમાં પણ આયોજિત કરવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ