
પાટણ, 29 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ શહેરમાં આસો વદ ચોથના પાવન અવસરે કરવા ચોથના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સુભાષ ચોક નજીક આવેલી નાણાવટી સ્કૂલ પાસે ગીતાબેન પ્રજાપતિ દ્વારા સમૂહ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારોમાંથી આશરે 200 જેટલી સૌભાગ્યવતી મહિલાઓ ઉત્સાહભેર જોડાઈ હતી. મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની કામના સાથે વ્રતનું પૂજન-અર્ચન કર્યું હતું.
કરવા ચોથના પર્વ નિમિત્તે મહિલાઓએ સૂર્યોદયથી નિર્જળા ઉપવાસ શરૂ કરીને આખો દિવસ અન્ન-જળનો ત્યાગ કર્યો હતો. સમૂહ પૂજન દરમિયાન કરવા માતા, ભગવાન શિવ, ગણેશજી અને કાર્તિકેયનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલાઓએ કરવા ચોથની વ્રતકથાનું શ્રવણ કરી ધાર્મિક પરંપરાઓનું પાલન કર્યું હતું. પાટણમાં યોજાયેલા આ સમૂહ પૂજનમાં સ્થાનિક પરિવારોની મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ધાર્મિક માહોલને ભક્તિમય બનાવ્યો હતો.
પરંપરા અનુસાર, રાત્રે આકાશમાં ચંદ્ર ઉદિત થયા બાદ મહિલાઓ ચાળણીમાંથી ચંદ્રદર્શન કરશે અને ચંદ્રને અર્ધ્ય અર્પણ કરશે. ત્યારબાદ પતિના હસ્તે જળ ગ્રહણ કરીને ઉપવાસના પારણાં કરશે. કરવા ચોથનું આ વ્રત પતિના દીર્ઘાયુષ્ય અને દાંપત્ય જીવનની સુખાકારી માટે કરવામાં આવે છે. પાટણમાં દર વર્ષે યોજાતા આ સમૂહ પૂજન કાર્યક્રમ દ્વારા મહિલાઓમાં ધાર્મિક પરંપરા અને સામૂહિક એકતાની ભાવના પણ જોવા મળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ