
ભાવનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) તળાજા તાલુકાના સમઢીયાળા ગામે શ્રી સમઢીયાળા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા બોનસ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્ર પનોત, સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષી સહિત ડેરીના અધિકારીઓ, દૂધ મંડળીના હોદ્દેદારો, વ્યવસ્થાપક સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મંડળીમાં દૂધ ભરાવતા તમામ સભાસદોને કુલ 4.70 લાખ રૂપિયાનો નફો બોનસ પેટે વિતરણ કરવામાં આવ્યો હતો. વધુ દૂધ ભરાવતા પ્રથમથી દસમા ક્રમના પશુપાલકોને ચેક દ્વારા બોનસની રકમ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે અન્ય તમામ દૂધ ઉત્પાદકોને તેમના દૂધના પ્રમાણ પ્રમાણે બોનસ ચૂકવવામાં આવ્યું હતું. બોનસ મળતા સભાસદોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
આ પ્રસંગે એચ.આર. જોષીએ આધુનિક અને વૈજ્ઞાનિક અભિગમથી પશુપાલન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે શ્વેતક્રાંતિ બાદ જિલ્લામાં આનુવંશિક ક્રાંતિ લાવવા અને દૂધ મંડળીના માધ્યમથી ગામના વિકાસમાં સહભાગી થવા હાકલ કરી હતી. સર્વોત્તમ ડેરી દ્વારા શ્વેતક્રાંતિ, હરિયાળી ક્રાંતિ, આર્થિક ક્રાંતિ, આનુવંશિક ક્રાંતિ અને આરોગ્ય ક્રાંતિ એમ પાંચ ક્ષેત્રે થયેલી કામગીરીની માહિતી આપી હતી.
મહેન્દ્ર પનોતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને ઝીરો બજેટ ખેતીના ફાયદા સમજાવી પશુપાલન વ્યવસાય અપનાવવા પ્રેરણા આપી હતી. વર્ષ દરમિયાન મંડળી દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી સભાસદોને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિનિયર મેનેજર કે.ડી. બારૈયાએ કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA