
ચમોલી, નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ.સ.). ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદ્રીનાથ ધામથી શુક્રવારે પરત ફરી રહેલું એક હેલિકોપ્ટર લાપતા થયાના સમાચાર છે. આનાથી પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો. હેલિકોપ્ટરનું સ્થાન બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે મળી રહ્યું નથી.
રાજ્ય કટોકટી ઓપરેશન કેન્દ્ર અનુસાર, હેલિકોપ્ટરનું સ્થાન ન મળ્યાની માહિતી પ્રશાસનને પ્રાપ્ત થઈ છે. આ પછી, પ્રશાસને તાત્કાલિક બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. પ્રશાસન અને સંબંધિત હેલિકોપ્ટર કંપનીની ટીમો હેલિકોપ્ટરના સ્થાનનો પતો લગાવવામાં વ્યસ્ત છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ એક્સ પોસ્ટમાં જણાવ્યું કે, જોશીમઠના ચાઈ ગામ નજીક હેલિકોપ્ટર ક્રેશ થયાની દુર્ભાગ્યપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ છે. જિલ્લા પ્રશાસન, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ, એસડીઆરએફ દ્વારા સંયુક્ત રીતે બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ કહ્યું, હું પોતે પણ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યો છું. ગંભીર રીતે ઘાયલોને તાત્કાલિક એરલિફ્ટ કરીને વધુ સારવાર માટે ઉચ્ચ કેન્દ્રમાં પહોંચાડવાના નિર્દેશ આપ્યા છે. ઈશ્વર પાસે યાત્રીઓ સહીસલામત હોય તેવી કામના કરું છું.
પ્રારંભિક માહિતીમાં હેલિકોપ્ટરમાં યાત્રીઓ અને પાયલટ સહિત કુલ છ લોકો સવાર હોવાનું સામે આવ્યું છે. જોકે, યાત્રીઓની સંખ્યા અંગે અલગ-અલગ માહિતી મળી રહી છે. હાલમાં હેલિકોપ્ટરની સ્થિતિ અને તેમાં સવાર લોકોની સલામતી અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર પાંડેય / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ