ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળે તાન્ઝાનિયામાં આઈપીયુ સભામાં વિવિધ બેઠકોમાં ભાગ લીધો
નવી દિલ્હી, 06 ઓક્ટોબર (હિ.સ.). રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશના નેતૃત્વમાં, ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળે આફ્રિકી દેશ તાન્ઝાનિયાના અરુષામાં આયોજિત 153મી આંતર-સંસદીય સંઘ (આઈપીયુ) સભાના પ્રથમ દિવસે વિવિધ બેઠકો અને કાર્યક્રમોમાં ભાગ લીધો તથા ઘણા દેશોના પ્
રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશના નેતૃત્વમાં, આફ્રિકામાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળ


નવી દિલ્હી, 06 ઓક્ટોબર (હિ.સ.). રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશના નેતૃત્વમાં, ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળે આફ્રિકી દેશ તાન્ઝાનિયાના અરુષામાં આયોજિત 153મી આંતર-સંસદીય સંઘ (આઈપીયુ) સભાના પ્રથમ દિવસે વિવિધ બેઠકો અને કાર્યક્રમોમાં ભાગ લીધો તથા ઘણા દેશોના પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી.

રાજ્યસભા સચિવાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું કે, સોમવારે સભાના પ્રથમ દિવસે ભારતીય પ્રતિનિધિમંડળના સભ્યોએ આઈપીયુની વિવિધ સમિતિઓ અને જૂથોની બેઠકોમાં ભાગ લીધો. લોકસભા સભ્ય ડો. સંજય જયસ્વાલે આઈપીયુની આરોગ્ય સમિતિના સત્રમાં ભાગ લીધો. હરિવંશ અને પ્રતિનિધિમંડળના અન્ય સભ્યોએ એશિયા-પ્રશાંત ભૂ-રાજકીય જૂથની બેઠકમાં પણ ભાગ લીધો. લોકસભા સભ્ય અને આઈપીયુ કાર્યકારી સમિતિના સભ્ય અપરાજિતા સારંગીએ જૂથના સભ્યોને કાર્યકારી સમિતિની તાજેતરની ગતિવિધિઓ અને પહેલો વિશે માહિતી આપી.

મહિલા સાંસદોના મંચના સત્રમાં લોકસભા સભ્ય કમલજીત સેહરાવતે ‘સૌ માટે સમાવેશી સામાજિક વિકાસ: દિવ્યાંગ લોકોના અધિકારો અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે સંસદીય વ્યૂહરચનાઓ’ વિષય પર ચર્ચામાં ભાગ લીધો અને ભારતનો પક્ષ રજૂ કર્યો. લોકસભા સભ્ય બિજુલી કલિતા મેધીએ ‘મહિલા નેતૃત્વ’ વિષય પર આયોજિત બીજા સત્રમાં ભાગ લીધો.

રાજ્યસભા સભ્ય ડો. સસ્મિત પાત્રાએ એશિયન સંસદીય સભાની બેઠકમાં ભાગ લીધો, જ્યારે લોકસભા સભ્ય લતા વાનખેડેએ આતંકવાદ અને હિંસક ઉગ્રવાદનો સામનો કરવા સંબંધિત આઈપીયુના ઉચ્ચ સ્તરીય સલાહકાર જૂથની બોર્ડ બેઠકમાં ભાગ લીધો.

ભારતીય પ્રતિનિધિમંડળે ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિ સભાના અધ્યક્ષ મિલ્ટન ડિક અને તાન્ઝાનિયાની સંસદના અધ્યક્ષ મૂસા અઝાન જુંગુ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી. આ બેઠકોમાં પરસ્પર હિત સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ.

તાન્ઝાનિયાની સંસદે 153મી આઈપીયુ સભાના ઉદ્ઘાટન માટે ઔપચારિક સમારોહનું આયોજન કર્યું. તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહુ હસને સમારોહને સંબોધિત કર્યો અને 153મી સભા શરૂ થવાની ઘોષણા કરી.

હરિવંશ સાથે અપરાજિતા સારંગી, અનુરાગ સિંહ ઠાકુર, એનકે પ્રેમચંદ્રન અને ડો. સસ્મિત પાત્રાએ ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો. તેમણે તાન્ઝાનિયાના વિદેશ મંત્રી અને અન્ય મંત્રીઓ સાથે પણ વાતચીત કરી.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande