
પાલનપુર/અમદાવાદ,06 ઓકટોબર (હિ.સ.) ગુજરાત ભાજપના પ્રદેશના નવ નિયુક્ત પ્રભારી તરૂણ ચુઘ આજે બનાસકાંઠાના પ્રવાસે પહોંચ્યા છે. પાલનપુરના ચડોતર નજીક આવેલા 'બનાસ કમલમ્' ખાતે તેમની અધ્યક્ષતામાં સંગઠનને મજબૂત કરવા અને આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ માટે મહત્વપૂર્ણ ત્રણ બેઠક યોજાઈ હતી.આ બેઠકોમાં સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને પક્ષના સિનિયર નેતાઓ સાથે કામગીરી અને આગામી ચૂંટણીની તૈયારીઓ અંગે સીધી ચર્ચા કરવામાં આવી હતી.
પ્રભારીતરૂણ ચુઘે જણાવ્યું કે, ભારતના કેપ્ટન સ્મિતએ પોતાની ક્ષમતાથી વિમાન બચાવીને 180થી વધુ નાગરિકોના જીવ બચાવ્યા છે. આખી દુનિયા ભારત અને દેશના આ વીર પુત્રની સરાહના કરી રહી છે. પરંતુ અફસોસની વાત છે કે, કોંગ્રેસ અને ઇડી ગઠબંધનના નેતાઓ વોટબેંકની લાચારી અને ભૂખના કારણે સોશિયલ મીડિયા પર આ વીર પુત્ર માટે આભાર માનતું એક ટ્વીટ પણ કરી શક્યા નથી.
કોંગ્રેસની વિચારસરણી પર આકરા પ્રહારો કરતા ભાજપ પ્રભારીએ કહ્યું કે, જ્યારથી કેરળથી રાહુલ ગાંધી મુસ્લિમ લીગના સમર્થનથી જીત્યા છે, ત્યારથી તેમણે કોંગ્રેસનો તિરંગો અને એજન્ડા મુસ્લિમ લીગના કાર્યાલયમાં સરન્ડર કરી દીધો છે.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે, જે દેશ સામે યુદ્ધની ઘોષણા કરે છે તે કસાબ માટે રાત્રે કોર્ટના દરવાજા ખુલ્લા કરાવો છો, બાટલા હાઉસકાંડમાં આતંકીના મરવા પર સોનિયા ગાંધી રડે છે, અને 'ભારત તેરે ટુકડે હોંગે' જેવા નારા લગાવનારા કન્હૈયા કુમારને કોંગ્રેસ દિલ્હીથી લોકસભાની ટિકિટ આપે છે. પરંતુ દેશના વીર પુત્ર માટે તમારા મોંમાંથી બે શબ્દો પણ નથી નીકળતા. આ ફક્ત અને ફક્ત વોટબેંકના તુષ્ટીકરણનો ખેલ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા તરૂણ ચુઘે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી 365 દિવસ કામ કરનારું સંગઠન છે. આવતીકાલે 7 ઓક્ટોબરે નરેન્દ્ર મોદીના સ્ટેટ હેડ તરીકે 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તેમણે પોતાના જીવનની દરેક ક્ષણ રાષ્ટ્રસેવા અને સુશાસનમાં લગાવી દીધી છે.
છેલ્લા 13 વર્ષમાં પ્રધાનમંત્રી તરીકે તેમણે દેશના 25 કરોડ ગરીબને ગરીબીમાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે અને 17 કરોડ 50 લાખ લોકોને નવા રોજગાર મળ્યા છે.
તેમણે ઉમેર્યું કે, આજે ભારત 7.8%ના વિકાસ દર સાથે વિશ્વની ચોથી સૌથી મોટી આર્થિક મહાશક્તિ બન્યું છે અને વિશ્વની મોટી સંસ્થાઓ ભારતને દુનિયાનું 'ગ્રોથ એન્જિન' માની રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ