
રાજકોટ, 01 નવેમ્બર (હિ.સ.) : સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ૧૫ વર્ષ જૂના અપહરણના ગુનામાં નાસતા-ફરતા આરોપીને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યો છે. ચોક્કસ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં મૂળ રાજસ્થાનના આરોપીને વસ્તડી ગામના નદીકાંઠા પાસેથી હસ્તગત કરવામાં આવ્યો છે. આ સફળ કામગીરીથી લાંબા સમયથી પડતર ગુનાનો ઉકેલ લાવવામાં સફળતા મળી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા રેન્જ હસ્તકના તેમજ અન્ય જિલ્લાઓમાં ગુના આચરીને નાસતા-ફરતા ગુનેગારોને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશરૂપે સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટરો તથા ટેકનિકલ સ્ટાફના સભ્યો દ્વારા વિવિધ ટીમો બનાવીને વર્કઆઉટ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ ટીમે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરીને સતત નિરીક્ષણ હાથ ધર્યું હતું.
આ કામગીરી દરમિયાન રેન્જ સ્ટાફના સભ્યોને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૧ના ગુના મુજબ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ ૩૬૩ અને ૩૬૬ હેઠળના અપહરણના કેસમાં સંડોવાયેલા વિજય કિશનચંદ્ર યાદવ અંગે માહિતી મળી હતી. આરોપી મૂળ રાજસ્થાનના અલવર જિલ્લાના તિજારા તાલુકાના રામબાસ ઝોપડીનો વતની છે અને હાલ સુરેન્દ્રનગરના વસ્તડી ગામે છુપાયો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી કરીને સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામના નદીકાંઠા વિસ્તારમાંથી આરોપી વિજય યાદવને હસ્તગત કરી લીધો હતો. આ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ આરોપીને આગળની કાયદેસરની ઘટિત કાર્યવાહી અર્થે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt