


પોરબંદર, 01 નવેમ્બર (હિ.સ.) : કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ પરના પોલીસ કર્મચારીની હત્યાનો પ્રયાસ કરી
તેમની ખાનગી કારને નુકસાન પહોંચાડવાના ગંભીર
ગુનામાં પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક
આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે સફેદ રંગની
સ્કોર્પિયો કાર સાથે આરોપી
શેરસિંહ મંગલસિંહ ફુલસિંહ બાવરી (ઉંમર 28, રહે. ભેંસાણ,
જિલ્લો જૂનાગઢ)ને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે કુતિયાણા પોલીસને
સોંપ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર
આરોપીઓ હજી ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસે જણાવ્યા મુજબ, તા. 26 ઓક્ટોબર,
2026ની રાત્રે આશરે
બે વાગ્યે કુતિયાણા પોલીસના કર્મચારી ચૌટા ચેકપોસ્ટ પર ફરજ બજાવતા હતા. તે દરમિયાન રાજકોટ તરફથી પૂર પાટ ઝડપે આવતી સફેદ સ્કોર્પિયો કારને રોકવાનો પ્રયાસ
કરવામાં આવ્યો હતો. જોકે, કારચાલકે વાહન રોકવાને બદલે જોખમી રીતે કાર હંકારી ત્યાંથી ભાગી છૂટ્યો
હતો. ત્યારબાદ પોલીસ કર્મચારીઓએ કારનો પીછો કરી તેના રજિસ્ટ્રેશન નંબરની માહિતી મેળવી અન્ય
પોલીસ કર્મચારીઓને જાણ કરી હતી.આગળની કાર્યવાહી દરમિયાન કુતિયાણા-વછરાજ હોટલ મહોબતપરા પાટિયા પાસે પોલીસ
કર્મચારીએ પોતાની ખાનગી બલેનો કારથી નાકાબંધી કરી
હતી. આ દરમિયાન સ્કોર્પિયો કાર ચાલકે પોલીસ
કર્મચારીને મારી નાખવાના ઇરાદે કાર ચઢાવવાનો
પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. કારમાં સવાર અન્ય
શખસો પણ બૂમાબૂમ કરતા હતા અને હાથમાં લોખંડના
સળિયા ઉંચા કરી ધમકીઓ આપતા હતા. પોલીસ
કર્મચારી બાજુમાં ખસી જતાં સ્કોર્પિયો કાર બલેનો
કારના પાછળના દરવાજા સાથે અથડાઈ હતી, જેના કારણે આશરે રૂ. 25 હજારનું નુકસાન થયું હતું.
ફરજ પરના પોલીસ કર્મચારીની હત્યાના પ્રયાસના ગંભીર ગુનાને ધ્યાને રાખીને જૂનાગઢ
રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ
ચુડાસમા (IPS) અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક
ભગીરથસિંહ જાડેજા (IPS)ની સૂચના અનુસાર LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર. કે. કાંબરિયાના
માર્ગદર્શન હેઠળ બે ટીમો બનાવવામાં આવી હતી. LCBના ASI ઉદયભાઇ વરૂ, હેડ કોન્સ્ટેબલ એચ. વી. મક્કા અને પોલીસ કોન્સ્ટેબલ
નટવરભાઈ ઓડેદરાને મળેલી બાતમીના આધારે માંડવા
ગામના પાટિયા પાસેવોચ ગોઠવવામાં આવી હતી.
દરમિયાન શંકાસ્પદ સ્કોર્પિયો કારને રોકી તપાસ
કરતાં ડ્રાઇવર સીટ પર બેઠેલા શેરસિંહ બાવરીને ઝડપી
પાડવામાં આવ્યો હતો.
આ બનાવામા સુનીલસિંહ રાયસિંહ ડાંગી, કિશન ઉર્ફે કાનો સત્યનારાયણ કુબાવત, રાજુ ભીખુભાઈ ચૌહાણ અને અક્ષય ઉર્ફે બાઠિયો રમેશભાઈ
સોલંકીનાં નામ અન્ય આરોપીઓ તરીકે દર્શાવવામાં આવ્યાં
છે. આ ચારેય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ
દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya