



પોરબંદર, 01 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરની આવાસ યોજનામાં જર્જરિત મકાનોની સમસ્યા ફરી એકવાર સામે આવી છે. આવાસ
યોજના ખાતે બ્લોક નં. 51ના ઘર નં. 25માં વહેલી સવારે પરિવારના સભ્યો ઘરમાં સૂતા હતા ત્યારે
અચાનક છતના પોપડા ધડાકાભેર નીચે પડ્યા હતા. આ
ઘટનામાં ઘરમાં હાજર યુવતીના પગમાં ઈજા પહોંચતાં તેને
તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી
હતી. સારવાર દરમિયાન યુવતીના પગમાં ત્રણ
ટાંકા લેવા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સદનસીબે આ ઘટનામાં અન્ય કોઈને ઈજા થઈ હોવાની વિગતો સામે
આવી નથી.
આવાસ યોજનામાં છતના પોપડા પડવાની ઘટનાઓ અવારનવાર બનતી હોવાની રજૂઆત રહીશો
દ્વારા કરવામાં આવી રહી છે. મકાનોની જર્જરિત
હાલતને કારણે રહીશોને સતત ભય વચ્ચે જીવન પસાર
કરવું પડે છે. ઘરમાં પરિવારજનો આરામ કરતા હોય
ત્યારે છતના પોપડા પડવાની ઘટના જીવલેણ પણ
સાબિત થઈ શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે. ગરીબી
રેખા હેઠળ આવતા અનેક પરિવારો પાસે અન્ય કોઈ
રહેઠાણની વ્યવસ્થા ન હોવાથી તેઓ જોખમી મકાનોમાં
રહેવા મજબૂર બન્યા છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા થોડા સમય
પહેલાં આવાસ યોજનાની ઇમારતોના સમારકામ માટે
રૂ. 13 કરોડ મંજૂર કરવામાં આવ્યા હોવાની
જાહેરાત કરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત છત
પર વોટર પ્રૂફિંગ સહિતનાં કામો કરવાની વાત
પણ કરવામાં આવી હતી.
જોકે, છતના પોપડા પડવાની ઘટનાઓ વચ્ચે સમારકામની કામગીરી ક્યારે શરૂ
થશે તે અંગે રહીશોમાં પ્રશ્નો ઊભા થયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya