

પાટણ, 10 નવેમ્બર (હિ.સ.) ઐતિહાસિક નગર પાટણમાં વિક્રમ સંવતના નૂતન વર્ષના પ્રારંભે નગરદેવી જૂની કાલિકા માતાના મંદિર પરિસરમાં પરંપરાગત લોકમેળો યોજાયો હતો. બેસતા વર્ષના દિવસે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે કાલિકા માતા અને ભદ્રકાળી માતાની પ્રતિમાનો આકર્ષક આગી શણગાર કરવામાં આવ્યો હતો.
ભક્તોએ માતાજીનાં દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી હતી. મેળામાં બાળકો અને પરિવારજનોએ ચકડોળ સહિતની રાઇડ્સ તેમજ વિવિધ ખાણીપીણીની દુકાનોનો આનંદ માણ્યો હતો. પાટણમાં બેસતા વર્ષથી કારતક સુદ પૂનમ સુધી વિવિધ ધાર્મિક સ્થળોએ ક્રમશઃ લોકમેળાઓ યોજવાની વર્ષો જૂની પરંપરા છે.
આ પરંપરા અંતર્ગત ભાઈબીજના દિવસે છીંડિયા દરવાજા બહાર ભૈરવ મંદિરે, કારતક સુદ ત્રીજના દિવસે સિંધવાઈ માતાના મંદિરે અને ચોથના દિવસે કરંડિયાવીરના સ્થાનકે મેળો યોજાશે. લાભપાંચમના દિવસે મહેમદપુર ખાતે પારેવિયાવીરના સ્થાનકે સવારે અને જૂની કાલિકા માતાના મંદિરે સાંજે પરંપરાગત સઘડી દર્શન યોજાશે.
આ ઉપરાંત કારતક સુદ અગિયારસના દિવસે પટનો મેળો અને બહુચર માતાનો મેળો યોજાશે. જ્યારે કારતક સુદ 14થી કારતક વદ 5 સુધી પદ્મનાભ મંદિર પરિસરમાં લોકમેળાનું આયોજન કરવામાં આવશે.
બીજી તરફ, બેસતા વર્ષના પાવન અવસરે પાટણના રાજપુર ગામે આવેલા રામજી મંદિરે 56 ભોગ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. શૈલેષભાઈ સી. પટેલના સહયોગથી યોજાયેલા આ મહોત્સવમાં ભગવાનને વિવિધ વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિકોએ દર્શન તથા અન્નકૂટનો લાભ લઈ નૂતન વર્ષની ઉજવણી કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ