
પાટણ, 10 નવેમ્બર (હિ.સ.) રાધનપુર તાલુકાના કોલાપુર ગામમાં વિક્રમ સંવતના નૂતન વર્ષની ઉજવણી ધાર્મિક અને ભક્તિમય માહોલમાં કરવામાં આવી હતી. ગામના સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા. સૌએ ભગવાન ભોળાનાથનાં દર્શન અને પૂજા-અર્ચના કરીને નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી. આ પ્રસંગે ગામમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
બેસતા વર્ષની ઉજવણીને વિશેષ અને યાદગાર બનાવવા ગ્રામજનોએ એક અનોખો સંકલ્પ લીધો હતો. જેમાં ગામના દરેક પરિવારે એક ગાય પાળવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત દરરોજ પરિવારની એક વ્યક્તિ દ્વારા 'નમઃ શિવાય' મંત્રના પાંચ જાપ કરવામાં આવશે તેવો પણ સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ આયોજનના માધ્યમથી ગામમાં ગૌસેવા, શિવભક્તિ અને ભારતીય ધાર્મિક પરંપરાઓના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે ગોવાભાઈ રબારી અને શાસ્ત્રી અમૃતભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોના આ સંકલ્પને ગૌસેવા અને આધ્યાત્મિક જીવન તરફનું પ્રેરણાદાયી પગલું માનવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ