



પાટણ, 10 નવેમ્બર (હિ.સ.) સરસ્વતી તાલુકાના ધારુસણ ગામમાં મૂળચંદભાઈ પરસોતમભાઈ જોષી પરિવાર દ્વારા સતત બીજા વર્ષે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 10થી 16 નવેમ્બર દરમિયાન સાત દિવસ સુધી ચાલનારા આ ધાર્મિક મહોત્સવનો પ્રારંભ ભક્તિમય માહોલમાં પોથીયાત્રા સાથે કરવામાં આવ્યો હતો. ગામમાં ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો.
જ્ઞાનયજ્ઞના પ્રથમ દિવસે પોથીયાત્રા સમગ્ર ધારુસણ ગામમાં ફરી હતી. પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, મહિલાઓ અને ધર્મપ્રેમી ભક્તો જોડાયા હતા. ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલી પોથીયાત્રાનું ગ્રામજનોએ ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. આ દરમિયાન સમગ્ર ગામમાં ભક્તિ અને આસ્થાનો માહોલ છવાયો હતો.
આ ધાર્મિક પ્રસંગે કથાવક્તા સંજય વી. જોષી તેમજ આચાર્ય શાસ્ત્રી મહેશ જોષી ઉપસ્થિત રહ્યા હતા. આગામી સાત દિવસ દરમિયાન શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવશે. આયોજક પરિવાર દ્વારા ગ્રામજનો અને ધર્મપ્રેમી ભાવિકોને કથાશ્રવણનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ