

પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : પાટણના નગરદેવી કાલિકા માતાજીના મંદિરે લાભ પાંચમના પવિત્ર પર્વ નિમિત્તે પરંપરાગત ખપ્પર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે સાંજે માતાજીના કિલ્લા પર સળગતી સગડી એટલે કે ખપ્પર ચઢાવવામાં આવતા દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને મંદિરના કિલ્લા પરથી ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી.
પાટણના કાલિકા માતાજીના મંદિરનું વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ છે. માન્યતા મુજબ, દેશભરમાં પાટણ એકમાત્ર એવું સ્થળ છે, જ્યાં કાલિકા માતાજી સંપૂર્ણ મુખારવિંદ સાથે બિરાજમાન છે. લાભ પાંચમના દિવસે બપોરે બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા યજ્ઞ-હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે પરંપરાગત ખપ્પર દર્શન યોજાયાં હતાં, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
મંદિરના પૂજારી અશોક વ્યાસના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સૈકાઓથી દર વર્ષે લાભ પાંચમની સાંજે માતાજીના મસ્તકે એટલે કે કિલ્લા ઉપર સળગતી સગડી ચઢાવવાની પરંપરા ચાલી આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, ખપ્પર દ્વારા નગરમાં વ્યાપ્ત અનિષ્ટ તત્ત્વોને બાળીને ભસ્મીભૂત કરી નગરનું રક્ષણ કરવામાં આવે છે. આ પ્રાચીન પરંપરાના સાક્ષી બનવા અને ખપ્પર દર્શનનો લાભ લેવા પાટણ શહેર સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ