કર્ણાટકમાં બોટિંગ દરમિયાન દુર્ઘટના: સુરતના દંપતીનું મોત, બે સંતાનોનો બચાવ
સુરત, 14 નવેમ્બર (હિ.સ.) : સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા દેસાઈ પરિવાર માટે કર્ણાટકનો વેકેશન પ્રવાસ દુઃખદ ઘટનામાં ફેરવાઈ ગયો હતો. 13 નવેમ્બરના રોજ કુશલનગર નજીક આવેલા હરંગી બેકવોટર્સમાં બોટિંગ દરમિયાન બોટ પલટી જતાં 50 વર્ષીય આર્કિટેક્ટ ધર્મેશભાઈ દેસા
Tragedy During Boating


સુરત, 14 નવેમ્બર (હિ.સ.) : સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા દેસાઈ પરિવાર માટે કર્ણાટકનો વેકેશન પ્રવાસ દુઃખદ ઘટનામાં ફેરવાઈ ગયો હતો. 13 નવેમ્બરના રોજ કુશલનગર નજીક આવેલા હરંગી બેકવોટર્સમાં બોટિંગ દરમિયાન બોટ પલટી જતાં 50 વર્ષીય આર્કિટેક્ટ ધર્મેશભાઈ દેસાઈ અને તેમનાં 48 વર્ષીય પત્ની નિમ્મીબેનનું ડૂબી જવાથી મોત થયું હતું. પરિવારના ચારેય સભ્યોએ લાઈફ જેકેટ પહેર્યાં હતાં, તેમ છતાં આ દુર્ઘટનામાં દંપતીના પુત્ર અને પુત્રીનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી મુજબ, બોટ વળાંક લઈ રહી હતી ત્યારે ચાલકે કાબૂ ગુમાવતા બોટ ઊંડા પાણીમાં પલટી ગઈ હતી. પરિવારના ચારેય સભ્યો પાણીમાં પડ્યા હતા. ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકો અને વોટર સ્પોર્ટ્સના કર્મચારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી બંને બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યાં હતાં. જોકે ધર્મેશભાઈ અને નિમ્મીબેન પલટી ગયેલી બોટની નીચે ફસાઈ જતાં બહાર નીકળી શક્યાં નહોતાં. ભારે જહેમત બાદ ફાયર વિભાગ અને પોલીસે બંનેના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી બોટ સંચાલકોની સંભવિત બેદરકારી સહિતના પાસાઓની તપાસ હાથ ધરી છે.

ધર્મેશભાઈ દેસાઈ આર્કિટેક્ટ હોવા ઉપરાંત અનાવિલ સમાજમાં સામાજિક અને શૈક્ષણિક કાર્યોમાં સક્રિય યોગદાન આપવા માટે જાણીતા હતા. દયાળજી અનાવિલ કેળવણી મંડળ, સુરત તેમજ કડોદરાની મગનવાડીના રિનોવેશન કાર્યમાં પણ તેમનો મહત્વનો સહયોગ રહ્યો હતો. દંપતીના અચાનક અવસાનના સમાચારથી અડાજણ અને સમગ્ર અનાવિલ સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. માતા-પિતાને નજર સામે ગુમાવનાર બંને સંતાનો આઘાતમાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande