
પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના સુપ્રસિધ્ધ યાત્રાધામ માધવપુર તહેવાર નિમિતે હજારો પ્રવાસીઓ આવ્યા છે. તેમાં સ્ટીમ ઢોકળાનો સ્ટોલ કરનાર ધંધાર્થીઓએ સ્ટોલની અંદર જ રેકડી નીચે 170 બોટલ દારૂ છુપાવ્યો હતો જે પોલીસે કબ્જે કરીને બંનેની ધરપકડ કરી છે.
માધવપુર પોલીસ મથકના લોકરક્ષક ધર્મેશ ગોવિંદ વાળાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તહેવાર અનુસંધાને માધવપુરની ચોપાટી ઉપર માધવપુર પોલીસની ટીમ બંદોબસ્તમાં હતી એ દરમ્યાન ધર્મેશને એવી માહિતી મળી હતી કે માધવપુરની ચોપાટી ઉપર જાહેરમાં દારૂનું વેચાણ થઇ રહ્યુ છે.
માધવપુરના પુધર વિસ્તારમાં રહેતા આશિષ ઉર્ફે લાલો નાથા મોકરીયાએ દારૂનો ધંધો શરૂ કર્યો છે. જેથી પોલીસે તાત્કાલિક ચોપાટી પર તપાસ કરતા જય માતાજી સ્ટીમ ઢોકળા નામનો સ્ટોલ ચલાવતા આશિષ ઉર્ફે લાલો મોકરીયા અને માધવપુરના પ્લોટ વિસ્તારમાં રહેતો સતીશ ભીમા વારા મળી આવ્યા હતા. સ્ટોલમાં રાખેલી રેકડીની નીચેથી બે કાળા રંગના પ્લાસ્ટીકના ઝબલા તથા સ્ટોલની પાછળથી પણ બે ઝબલા મળી આવતા પોલીસે તેને ખોલીને તપાસ કરતા વિદેશી દારૂની કુલ 170 બોટલ મળી આવી હતી. કુલ 21,400નો દારૂનો જથ્થો કબ્જે કરીને પોલીસે આશિષ ઉર્ફે લાલો નાથા મોકરીયા અને સતીષ ભીમા વાળા સામે પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya