
જુનાગઢ,16 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢ ખાતે આગામી 20 થી 24 નવેમ્બર દરમિયાન યોજાનાર પરંપરાગત પરિક્રમામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા જોડાનાર છે. યાત્રાળુઓના આરોગ્યની સુરક્ષા માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા પરિક્રમાના મુખ્ય પડાવો જેવા કે જીણા બાવાની મઢી, સરકડીયા, માળવેલા, બોરદેવી, ભવનાથ વિસ્તાર તેમજ માળવેલા ઘોડી અને નળપાણીની ઘોડી ખાતે સરકારી દવાખાનાઓ કાર્યરત કરવામાં આવશે.
યાત્રા દરમિયાન કોઈ બીમારીનો ભોગ ન બને તે માટે શ્રદ્ધાળુઓને આરોગ્યપ્રદ તકેદારી રાખવા જણાવાયું છે. ખાસ કરીને, ખુલ્લામાં વેચાતા આરોગ્યને હાનિકારક ફરસાણ, વાસી કે પડતર ફળો અને બિનઆરોગ્યપ્રદ ખાણી-પીણીની ચીજવસ્તુઓનું સેવન ટાળવું. આ ઉપરાંત, નદી-નાળા કે અન્ય અશુદ્ધ પાણી પીવાને બદલે માત્ર ક્લોરીનેશન કરેલું શુદ્ધ પાણી જ પીવાના ઉપયોગમાં લેવા ખાસ અનુરોધ કરવામાં આવે છે.
વધુમાં, પરિક્રમાના રસ્તાઓ અત્યંત કઠિન ચઢાણવાળા અને વધુ શારીરિક શ્રમ માંગી લે તેવા હોવાથી, ભૂતકાળમાં વયોવૃદ્ધ અને હૃદયરોગની તકલીફ ધરાવતા યાત્રાળુઓને ઘોડીના રસ્તાઓ પર ગંભીર તકલીફો પડવાના તથા મૃત્યુના બનાવો બનવા પામ્યા છે. આ બાબતને ધ્યાને લઈ, વયોવૃદ્ધ વ્યક્તિઓ અને હૃદયની બીમારી ધરાવતા નાગરિકોને ગિરનાર પરિક્રમા ન કરવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ