
જુનાગઢ 16 નવેમ્બર (હિ.સ.) : ગિરનાર લીલી પરિક્રમાની પૂર્વ તૈયારીઓને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ સમીક્ષા બેઠક યોજીને જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.
જિલ્લા કલેક્ટરએ ખાસ કરીને ગિરનાર લીલી પરિક્રમામાં ઉમટતા ભાવિકોની સુરક્ષા અને તેમના માટે જરૂરી સુવિધાઓ તથા વ્યવસ્થાઓ સંદર્ભે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. જિલ્લા કલેક્ટરએ સંલગ્ન અધિકારીઓને પોતાના તાબાના અધિકારીઓ અને કર્મચારીઓને ખાસ કરીને જંગલ વિસ્તારમાં ફરજ અને જવાબદારીની ભૂમિકા સ્પષ્ટ થાય તે માટે ગંભીરતાપૂર્વક બ્રીફિંગ કરવા જણાવ્યું હતું. ઉપરાંત યોગ્ય રીતે મોનિટરિંગ રાખવા પણ સૂચના આપી હતી.
જંગલ વિસ્તારમાં મર્યાદિત સંદેશાવ્યવહારને ધ્યાને રાખીને જુદા જુદા સરકારી વિભાગોના અધિકારીઓ સાથે યોગ્ય સંકલન જળવાઈ રહે તે માટે પણ જરૂરી નિર્દેશ આપ્યા હતા. આ સાથે જિલ્લા કલેક્ટરએ આગ લાગવાના બનાવો ન બને તે માટે પૂરતી તકેદારી રાખવા પણ જરૂરી સૂચનાઓ આપી હતી. ખાસ કરીને ભાવિકો અને અન્નક્ષેત્રો માટે પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત રહે તે માટે રિફિલિંગ સહિતની કામગીરી માટે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત થાય તે માટે સૂચના આપી હતી.
જિલ્લા કલેક્ટરએ ભવનાથ ક્ષેત્રમાં રાઉન્ડ ધ ક્લોક સફાઈ થતી રહે તે માટે પણ જરૂરી નિર્દેશ આપ્યા હતા. સાથે જ સફાઈ માટે વધારાનો સ્ટાફ તૈનાત રાખવા પણ જણાવ્યું હતું.
જિલ્લા કલેક્ટરએ આરોગ્ય, પાણી પુરવઠો, પરિવહન સેવા, સફાઈ સહિતની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. સાથે જ અધિકારીઓને ગિરનાર લીલી પરિક્રમાને સફળ બનાવવા માટે હકારાત્મક યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.
આ સમીક્ષા બેઠક પૂર્વે નિષ્ણાત ડોક્ટર દ્વારા અધિકારીઓને આકસ્મિક સંજોગોમાં ભાવિકોના જીવ બચાવવા માટે ડેમોન્સ્ટ્રેશન સાથે સીપીઆર (CPR) તાલીમ પણ આપવામાં આવી હતી.
આ બેઠકમાં ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી ભાવિકોની સુરક્ષા માટે જિલ્લા પોલીસના આયોજનનો ચિતાર આપ્યો હતો. નાયબ વન સંરક્ષક અક્ષય જોશીએ વન વિભાગની જરૂરી પૂર્વ તૈયારીઓ અંગે તથા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર વાજાએ પણ થયેલી કામગીરીની વિગતો આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી બી.એસ. બારડ, પ્રાંત અધિકારી વૃષાલી કાંબલે સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ