નવેમ્બર મહિનામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી જીરાના પાકનું મળે છે શ્રેષ્ઠ ઉત્પાદન
જુનાગઢ, 16 નવેમ્બર (હિ.સ.) : નવેમ્બર મહિનો મસાલા પાકોના રાજા ગણાતા જીરુંના વાવેતર માટે સૌથી યોગ્ય સમય ગણાય છે. જીરુંના પાકમાં સામાન્ય રીતે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ પાછળ ખેડૂતોને મોટો ખર્ચ થતો હોય છે, પરંતુ જો પ્રાકૃતિક કૃષિ પદ્ધત
નવેમ્બર મહિનામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી જીરાના પાકનું મળે છે શ્રેષ્ઠ ઉત્પાદન


જુનાગઢ, 16 નવેમ્બર (હિ.સ.) : નવેમ્બર મહિનો મસાલા પાકોના રાજા ગણાતા જીરુંના વાવેતર માટે સૌથી યોગ્ય સમય ગણાય છે. જીરુંના પાકમાં સામાન્ય રીતે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ પાછળ ખેડૂતોને મોટો ખર્ચ થતો હોય છે, પરંતુ જો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવામાં આવે તો નહિવત ખર્ચે ગુણવત્તાયુક્ત અને ઉત્તમ ઉત્પાદન મેળવી શકાય છે.

નવેમ્બર મહિનાનું પ્રથમ પખવાડિયું જીરુંની વાવણી માટે શ્રેષ્ઠ છે. ગુજરાત જીરું-૪ (GC-4) જેવી રોગપ્રતિકારક જાતની પસંદગી કરવી હિતાવહ છે. જીરુંના પાકમાં સુકારો અને કાળીયો જેવા ફૂગજન્ય રોગો અટકાવવા માટે વાવણી પહેલાં બિયારણને 'બીજામૃત' નો પટ આપી છાંયડામાં સૂકવીને વાવેતર કરવું.

વાવણી સમયે એકર દીઠ ૨૦૦ કિલો ઘનજીવામૃત જમીનમાં આપવું. ત્યારબાદ પિયતની સાથે એકર દીઠ ૨૦૦ લિટર પ્રવાહી જીવામૃત આપવાથી છોડનો વિકાસ મજબૂત થાય છે અને દાણા ભરાવદાર બને છે. જીરુંમાં મોલોમશી, થ્રિપ્સ અને ચરમી (કાળીયો) જેવા રોગોના નિયંત્રણ માટે રાસાયણિક દવાઓને બદલે 'દશપર્ણી અર્ક', 'નીમાસ્ત્ર' અથવા ખાટી છાશનો છંટકાવ કરવો અત્યંત અસરકારક રહે છે. ખાટી છાશના છંટકાવથી ફૂગજન્ય રોગો સામે કુદરતી રક્ષણ મળે છે.

જીરું એ ઓછા પાણીએ થતો પાક છે. તેથી જરૂરિયાત મુજબ હળવું પિયત આપવું અને ભેજ જાળવવા માટે ખેતરના શેઢામાં આચ્છાદન કરવું. પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી જીરુંની ખેતીમાં ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ અડધાથી પણ ઓછો થઈ જાય છે. ઓર્ગેનિક અને ઝેરમુક્ત જીરુંની દેશ-વિદેશમાં ભારે માંગ હોવાથી ખેડૂતો સીધું વેચાણ કરીને બમણી આવક મેળવી શકે છે.

રાજ્ય સરકારના કૃષિ વિભાગ અને આત્મા (ATMA) પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, જેનો મહત્તમ લાભ લેવા ખેડૂત મિત્રોને અનુરોધ કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande