ફિલ્મ સમીક્ષા: જેકી શ્રોફે 'કાલી ખેતી'માં પાડી છાપ, હારિસ ઇમ્તિયાઝ ખાને કરી શાનદાર શરૂઆત
મુંબઈ, નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.) હોરર ફિલ્મોમાં અવારનવાર ડરામણા દ્રશ્યો અને ચોંકાવનારા વળાંકો જોવા મળે છે, પરંતુ ‘કાલી ખેતી’ આ શૈલીને એક અલગ અંદાજમાં રજૂ કરે છે. ફિલ્મની વાર્તામાં ડરની સાથે રહસ્ય પણ જોડાયેલું છે, જે દર્શકોની ઉત્સુકતા જાળવી રાખ
જેકી


મુંબઈ, નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.) હોરર ફિલ્મોમાં અવારનવાર ડરામણા દ્રશ્યો અને ચોંકાવનારા વળાંકો જોવા મળે છે, પરંતુ ‘કાલી ખેતી’ આ શૈલીને એક અલગ અંદાજમાં રજૂ કરે છે. ફિલ્મની વાર્તામાં ડરની સાથે રહસ્ય પણ જોડાયેલું છે, જે દર્શકોની ઉત્સુકતા જાળવી રાખે છે.

‘કાલી ખેતી’ની ખાસિયત એ છે કે, વાર્તા આગળ વધવાની સાથે અનેક નવા પ્રશ્નો ઊભા કરે છે અને તેના જવાબો જાણવા માટે દર્શકો અંત સુધી જોડાયેલા રહે છે. દિગ્દર્શક હારિસ ઇમ્તિયાઝ ખા,ને હોરર માટે એક અલગ વિષય પસંદ કર્યો છે, જે ફિલ્મને ખાસ બનાવે છે.

વાર્તા- ફિલ્મની વાર્તા રોહિત (શરદ કેલકર), તેની પત્ની રાધા (નેહા સરગમ) અને પુત્ર રાજુ (સ્પંદન) ની આસપાસ ફરે છે. રોહિત તેના પિતા કિશન (જેકી શ્રોફ)ને ગામ બોલાવે છે. ગામ પહોંચ્યા પછી કિશનને કેટલીક એવી અસામાન્ય બાબતો દેખાવા લાગે છે, જે તેને પરેશાન કરે છે. બીજી તરફ, રોહિત વારંવાર નવી ખેતીની વાત કરે છે. આખરે આ ખેતી પાછળ શું રહસ્ય છે અને તેનો પરિવાર સાથે શું સંબંધ છે, તે જ ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે. ગ્રામીણ પરિવેશમાં રચાયેલી આ વાર્તા, ધીરે ધીરે સસ્પેન્સ તૈયાર કરે છે. ઘણી વાર લાગે છે કે, હવે રહસ્ય ખુલી જશે, પરંતુ ફિલ્મ નવા વળાંક સાથે દર્શકોની ઉત્સુકતા જાળવી રાખે છે. તેના ટ્વિસ્ટ વિશે, વધુ કંઈ કહેવું વાર્તાની મજા બગાડી શકે છે. ફિલ્મનું સૌથી મજબૂત પાસું તેનો અલગ હોરર કોન્સેપ્ટ છે.

અભિનય- જેકી શ્રોફ ફિલ્મની સૌથી મોટી તાકાત છે. તેમના પાત્રમાં લાગણીઓના અનેક રંગો છે અને તેઓ દરેક પરિસ્થિતિમાં પોતાના સહજ અભિનયથી પ્રભાવિત કરે છે. તેમનો સંવેદનશીલ અને નબળો દેખાતો અંદાજ પાત્રને વધુ રસપ્રદ બનાવે છે. શરદ કેલકર પણ પોતાના અભિનયથી વાર્તાને મજબૂતી આપે છે. તેઓ બિનજરૂરી નાટકીય થયા વગર પોતાના પાત્રની ગંભીરતાને પડદા પર ઉતારે છે. નેહા સરગમે રાધાની ભૂમિકામાં સારું કામ કર્યું છે. શાજી ચૌધરી અને વીરેન્દ્ર સક્સેના પોતાની ભૂમિકાઓમાં પ્રભાવી છે, જ્યારે સ્પંદને પણ સહજ અભિનય કર્યો છે. તમામ કલાકારો વાર્તાના વાતાવરણને વિશ્વસનીય બનાવવામાં યોગદાન આપે છે.

દિગ્દર્શક- માત્ર 25 વર્ષની ઉંમરે હારિસ ઇમ્તિયાઝ ખાને, પોતાની પ્રથમ ફિલ્મ દ્વારા પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. દિગ્દર્શનની સાથે તેમણે ફિલ્મની પટકથા અને સંવાદો પણ લખ્યા છે. આટલી નાની ઉંમરે એક અલગ વિષય પસંદ કરવો અને તેને પડદા પર અસરકારક રીતે રજૂ કરવો પ્રશંસનીય છે. તેમનો આત્મવિશ્વાસ ફિલ્મમાં સ્પષ્ટ દેખાય છે. તેઓ હોરરને માત્ર ડરામણા દ્રશ્યો સુધી મર્યાદિત નથી રાખતા, પરંતુ વાર્તાના વાતાવરણ અને રહસ્ય દ્વારા ડર પેદા કરે છે. તેમનું આ પદાર્પણ ભવિષ્ય માટે આશા જગાડે છે.

સિનેમેટોગ્રાફી અને સંગીત- ફિલ્મની સિનેમેટોગ્રાફી તેની વિશેષતા છે. ગામના દ્રશ્યો વાર્તાના રહસ્યમય વાતાવરણને વધુ સારી રીતે સામે રાખે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને સાઉન્ડ ડિઝાઇન અનેક દ્રશ્યોમાં ડરની અસર વધારે છે. વીએફએક્સનું કામ પણ બજેટની દ્રષ્ટિએ સારું છે. જોકે, એડિટિંગમાં થોડા સુધારાની અવકાશ છે. કેટલાક ભાગો લાંબા લાગે છે, જેનાથી વાર્તાની ગતિ પ્રભાવિત થાય છે. થોડું ચુસ્ત એડિટિંગ ફિલ્મને વધુ પ્રભાવશાળી બનાવી શક્યું હોત.

આ હોરર ફિલ્મ અલગ વિષય પર છે- 'કાલી ખેતી' એક અલગ વિષય પર બનેલી હોરર ફિલ્મ છે, જે પોતાના રહસ્ય અને વાતાવરણના જોરે દર્શકોને જકડી રાખે છે. જેકી શ્રોફનો શાનદાર અભિનય, શરદ કેલકરનું પ્રભાવી પ્રદર્શન અને હારિસ ઇમ્તિયાઝ ખાનનું આત્મવિશ્વાસથી ભરેલું દિગ્દર્શન તેની મોટી વિશેષતાઓ છે. કેટલીક નાની ખામીઓ હોવા છતાં ફિલ્મ પોતાના કોન્સેપ્ટ અને રજૂઆતથી પ્રભાવિત કરે છે. હોરર ફિલ્મોના શોખીનો માટે આ સિનેમાઘરોમાં જોવા લાયક વિકલ્પ છે.

કલાકાર: જેકી શ્રોફ, શરદ કેલકર, નેહા સરગમ, શાજી ચૌધરી, વીરેન્દ્ર સક્સેના અને સ્પંદન

દિગ્દર્શક: હારિસ ઇમ્તિયાઝ ખાન

સમયગાળો: 1 કલાક 49 મિનિટ,

પ્રદર્શન: સિનેમાઘરોમાં રેટિંગ: 3.5/5

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande