
સુરત, 02 નવેમ્બર (હિ.સ.) : સોશિયલ મીડિયા પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણી કરવાના મામલે બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપની મુશ્કેલીઓ વધી છે. સુરતની ટ્રાયલ કોર્ટે કોર્ટના સમન્સ છતાં વારંવાર હાજર ન થતાં તેમની વિરુદ્ધ વોરંટ ઇશ્યૂ કર્યું છે. આ કેસની આગામી સુનાવણી 24 ડિસેમ્બરે રાખવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વર્ષ 2025માં અનુરાગ કશ્યપે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્રહ્મ સમાજ અને બ્રાહ્મણો અંગે વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. આ પોસ્ટને પગલે સોશિયલ મીડિયા પર ભારે નારાજગી જોવા મળી હતી. આદિત્ય દત્તા નામના એક જાગૃત નાગરિકે અનુરાગ કશ્યપને પોસ્ટ તાત્કાલિક ડિલીટ કરવા અને જાહેર જીવનમાં મર્યાદા જાળવવા અપીલ કરી હતી. જોકે, આ મામલે વિવાદ વધુ વકર્યો હતો.
આ અંગે સુરતની કોર્ટમાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કોર્ટે ગુનો નોંધી સમન્સ જારી કર્યા હતા. નિયમ મુજબ વર્તમાનપત્રમાં જાહેર નોટિસ દ્વારા પણ તેમને જાણ કરવામાં આવી હતી. તેમ છતાં તેઓ કોર્ટમાં હાજર રહ્યા ન હતા. સતત ગેરહાજરીને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમની વિરુદ્ધ વોરંટ ઇશ્યૂ કર્યું છે.
34 વર્ષથી વકીલાત કરતા કમલેશ રાવલે નોંધાવી હતી ફરિયાદ
ફરિયાદી અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી કમલેશ રાવલે જણાવ્યું હતું કે, તેઓ સુરતમાં છેલ્લા 34 વર્ષથી વકીલાત કરે છે. અનુરાગ કશ્યપ દ્વારા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી અને માફી પણ માંગવામાં આવી નહોતી. તેથી તેમણે સુરતમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. હવે કોર્ટ દ્વારા આગામી સુનાવણી 24 ડિસેમ્બરે નિર્ધારિત કરવામાં આવી છે.
કેસની વિગતો મુજબ, 19 માર્ચ 2025ના રોજ અનુરાગ કશ્યપે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બ્રહ્મ સમાજ અને બ્રાહ્મણોને નિશાન બનાવતી વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. આ પોસ્ટને પગલે સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એક નાગરિકે પોસ્ટ ડિલીટ કરવા અને મર્યાદા જાળવવા જણાવ્યું હતું. જોકે, આ મામલે થયેલી કાનૂની કાર્યવાહી હવે આગળ વધી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે