પતંજલિ યુનિવર્સિટી, હરિદ્વાર ખાતે ડૉ. જય ઓઝાને યોગગુરુ રામદેવ મહારાજના હસ્તે શ્રેષ્ઠ સંશોધનપત્રનો રાષ્ટ્રીય પુરસ્કાર
અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલનમાં ‘શ્રી જ્યોત્સનામય ચેટરજી પ્રાઇઝ’થી સન્માનિત ગાંધીનગર, 02 નવેમ્બર (હિ.સ.) : હરિદ્વાર સ્થિત પતંજલિ વિશ્વવિદ્યાલય ખાતે તા. ૨૯થી ૩૧ ઑક્ટોબર, ૨૦૨૬ દરમિયાન આયોજિત અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલન (AIOC) માં ચિલ્ડ્રન
ડૉ. જય ઓઝાને રામદેવ મહારાજના હસ્તે પુરસ્કાર


- અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલનમાં ‘શ્રી જ્યોત્સનામય ચેટરજી પ્રાઇઝ’થી સન્માનિત

ગાંધીનગર, 02 નવેમ્બર (હિ.સ.) : હરિદ્વાર સ્થિત પતંજલિ વિશ્વવિદ્યાલય ખાતે તા. ૨૯થી ૩૧ ઑક્ટોબર, ૨૦૨૬ દરમિયાન આયોજિત અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલન (AIOC) માં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરના સંસ્કૃત વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. જય ઉમેશભાઈ ઓઝાને શ્રેષ્ઠ સંશોધનપત્ર માટે પ્રતિષ્ઠિત ‘શ્રી જ્યોત્સ્નામય ચેટરજી પ્રાઇઝ’ એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર યોગગુરુ સ્વામી રામદેવજી મહારાજ અને કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. શ્રીનિવાસ વરખેડીજીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.

આ ત્રિદિવસીય સંમેલનમાં ભારત ઉપરાંત નેપાળ, ઈરાન સહિતના દેશોમાંથી આશરે ૧,૮૦૦ અધ્યાપકો, વિદ્વાનો, સંશોધકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિવિધ વિષયવિભાગોમાં કુલ ૧,૦૦૮ સંશોધનપત્રો પ્રસ્તુત થયાં હતાં.

સંમેલનના ‘પાલી અને બૌદ્ધ સાહિત્ય’ વિભાગમાં ડૉ. જય ઓઝાએ ‘वैश्विक युद्ध के संकट के समय में बच्चों में करुणा और संवेदना का समन्वय : जातकमाला की कथाओं के आलोक में’ વિષય પર સંશોધનપત્ર રજૂ કર્યું હતું, જેને વિભાગના શ્રેષ્ઠ સંશોધનપત્ર તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.

આ સંશોધનપત્રમાં તેમણે વર્તમાન વૈશ્વિક યુદ્ધો અને સંઘર્ષોની પરિસ્થિતિમાં બાળકોમાં કરુણા, સહાનુભૂતિ, અહિંસા અને માનવીય સંવેદનાના સંસ્કારો વિકસાવવામાં આર્યશૂરકૃત ‘જાતકમાલા’ની કથાઓની પ્રાસંગિકતા રજૂ કરી હતી. પ્રાચીન ભારતીય કથાસાહિત્યને સમકાલીન વૈશ્વિક સમસ્યાઓ અને બાળશિક્ષણ સાથે જોડતો તેમનો અભ્યાસ વિશેષ નોંધપાત્ર રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ડૉ. જય ઓઝા છેલ્લા બે દાયકાથી વધુ સમયથી શિક્ષણ, સાહિત્ય અને સંશોધનક્ષેત્રે કાર્યરત છે. તેમણે ‘આર્યશૂરકૃત જાતકમાલાની કથાઓમાં બાળમૂલ્યોના શિક્ષણનો વિવેચનાત્મક અભ્યાસ’ વિષય પર સંશોધન પ્રકલ્પ પણ હાથ ધર્યો છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિદ્વાનોની ઉપસ્થિતિમાં પ્રાપ્ત થયેલું આ સન્માન ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ગુજરાતના સંસ્કૃત અધ્યયન-સંશોધન ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande