

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ફાળવાયેલી 4,047 ચોરસ મીટર જમીન પર રહેણાક મકાન અને વાડો બનાવી કરાયું હતું દબાણ, વહીવટી તંત્રની માર્ગદર્શિકામાં નગરપાલિકાની કાર્યવાહી
કચ્છ, 02 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરીના ભાગરૂપે નખત્રાણા તાલુકાના નખત્રાણા મોટા ગામે નગરપાલિકા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના હેતુ માટે ફાળવવામાં આવેલી સરકારી જમીન પર થયેલું ગેરકાયદેસર દબાણ દૂર કરી નગરપાલિકાએ જમીનનો કબજો પોતાના હસ્તક લીધો હતો. આ જમીનની અંદાજિત જંત્રી તથા બજાર કિંમત રૂ.60.75 લાખથી વધુ થતી હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગતો મુજબ, નખત્રાણા મોટા ગામની સીમમાં આવેલી સરકારી જમીન સર્વે નંબર 450 પૈકી 143માં કુલ 4,047 ચોરસ મીટર જેટલી જમીન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ઉપયોગ માટે ફાળવવામાં આવી હતી. જોકે, આ જમીન પર રહેણાક હેતુથી મકાનનું બાંધકામ કરવામાં આવ્યું હતું તેમજ આસપાસ વાડો બનાવી જમીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. સરકારી હેતુ માટે ફાળવવામાં આવેલી આ જમીન પર થયેલા દબાણને પગલે વહીવટી તંત્ર દ્વારા તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
માન. જિલ્લા કલેક્ટર, કચ્છ-ભુજ તથા નખત્રાણાના પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ નખત્રાણા નગરપાલિકાની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન દબાણ હેઠળની સમગ્ર 4,047 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી નગરપાલિકા તંત્ર દ્વારા તેનો કાયદેસર કબજો લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સરકારી રેકોર્ડ મુજબ આ જમીનની જંત્રી તથા બજાર કિંમતના આધારે અંદાજિત કિંમત રૂ.60,75,500 થાય છે. એટલે કે, નખત્રાણા નગરપાલિકા દ્વારા આશરે 60.75 લાખ રૂપિયાની કિંમત ધરાવતી સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે.
આ કાર્યવાહીથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા જાહેર ઉપયોગના હેતુ માટે ફાળવવામાં આવેલી જમીન ફરીથી નગરપાલિકાના નિયંત્રણ હેઠળ આવી છે. હવે આ જમીનનો ઉપયોગ જાહેર હિત અને નક્કી કરાયેલા હેતુ માટે થઈ શકશે કે કેમ તે આગામી સમયમાં નગરપાલિકાના આયોજન પર નિર્ભર રહેશે. સરકારી મિલકતો પરના દબાણો દૂર કરવાની કામગીરીથી જાહેર સંપત્તિનું રક્ષણ અને તેનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવાની દિશામાં વહીવટી તંત્રની કાર્યવાહી સામે આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar