રાજ્ય સરકાર દ્વારા પર્વતારોહણ શિબિરોમાં તાલીમાર્થીઓ અને ઇન્સ્ટ્રક્ટરોને આપવામાં આવતા દૈનિક ભોજનના દરમાં વધારો
માઉન્ટ આબુ અને જૂનાગઢ ખાતેના તાલીમાર્થી પર્વતારોહકોના દૈનિક ભોજન ભથ્થામાં રૂ. ૨૦૦નો વધારો કરાયો. - પર્વતારોહકોના આરોગ્ય- પોષણ માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. ગાંધીનગર, 02 નવેમ્બર (હિ.સ.) : પર્વતારોહણ એ શારીરિક સામર્થ્ય, ધૈર્ય અને અદમ્ય સાહસ
પર્વતારોહણ શિબિરોમાં તાલીમાર્થીઓ અને ઇન્સ્ટ્રક્ટરો


પર્વતારોહણ શિબિરોમાં તાલીમાર્થીઓ અને ઇન્સ્ટ્રક્ટરો


- માઉન્ટ આબુ અને જૂનાગઢ ખાતેના તાલીમાર્થી પર્વતારોહકોના દૈનિક ભોજન ભથ્થામાં રૂ. ૨૦૦નો વધારો કરાયો.

- પર્વતારોહકોના આરોગ્ય- પોષણ માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય.

ગાંધીનગર, 02 નવેમ્બર (હિ.સ.) : પર્વતારોહણ એ શારીરિક સામર્થ્ય, ધૈર્ય અને અદમ્ય સાહસની કસોટી છે. કલાકો સુધી ઊંચા પહાડો અને કઠિન ખડકો વચ્ચે પરસેવો પાડતા યુવક-યુવતીઓને પોતાની શારીરિક ક્ષમતા જાળવી રાખવા માટે યોગ્ય અને પૌષ્ટિક આહાર મળવો અત્યંત જરૂરી છે. આ બાબતને ધ્યાને રાખીને, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા વાર્ષિક પર્વતારોહણ તાલીમ શિબિરોમાં ભાગ લેતા તાલીમાર્થીઓ અને પ્રશિક્ષકો માટે અપાતી ભોજન સુવિધામાં રૂ.૨૦૦ નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે તા. ૧ એપ્રિલ, ૨૦૨૭થી અમલી બનશે.

રાજ્ય સરકાર દ્વારા પર્વતારોહણ શિબિરોમાં તાલીમાર્થીઓ અને ઇન્સ્ટ્રક્ટરોને આપવામાં આવતા દૈનિક ભોજનના દરની મહત્તમ મર્યાદા પ્રતિદિન પ્રતિ વ્યક્તિ રૂ. ૧૫૦થી વધારીને રૂ. ૩૫૦ કરવામાં આવી છે, જેમાં રૂ. ૨૦૦નો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો સીધો અને વ્યાપક લાભ રાજ્યના બે મુખ્ય પર્વતારોહણ કેન્દ્રોમાં તાલીમ લેતા અનેક યુવાનોને મળશે. જૂનાગઢ સ્થિત 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર' ખાતે તાલીમ લેતા વાર્ષિક આશરે ૨૩૦ શિબિરાર્થીઓ માટે રૂ. ૩.૪૦ લાખ અને માઉન્ટ આબુ સ્થિત 'રાજ્ય પર્વતારોહણ સંસ્થા'ના વાર્ષિક આશરે ૨૮૦ શિબિરાર્થીઓ માટે રૂ. ૭.૭૦ લાખનો વધારાનો ખર્ચ કરવામાં આવશે. આ રીતે બંને કેન્દ્રોના કુલ ૫૧૦ જેટલા યુવા સાહસિકોના ઉત્સાહ અને આરોગ્યને જાળવી રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક રૂ. ૧૧.૧૦ લાખનો વધારાનો આર્થિક ખર્ચ કરવામાં આવશે.

રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર હેઠળ કાર્યરત આ બંને કેન્દ્રોમાં વર્ષ દરમિયાન ૨૦થી વધુ સરકારી અને બિનસરકારી પર્વતારોહણ તાલીમ શિબિરો યોજાય છે. ભોજન ભથ્થામાં થયેલા આ વધારાથી આ શિબિરોમાં ભાગ લેનારા તાલીમાર્થીઓ અને પ્રશિક્ષકોને વધુ સારી ભોજન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.રાજ્ય સરકારના આ નિર્ણયથી પર્વતારોહણ ક્ષેત્રે તાલીમ મેળવતા યુવા સાહસિકોના આરોગ્ય, પોષણ અને શારીરિક ક્ષમતા જાળવવાના પ્રયાસોને પ્રોત્સાહન મળશે. સાથે જ, રાજ્યમાં પર્વતારોહણ તાલીમને વધુ અસરકારક બનાવવા અને યુવા સાહસિકોના સર્વાંગી વિકાસને વેગ આપવા સહાયરૂપ બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande