
સુરત, 02 નવેમ્બર (હિ.સ.) : અઠવા વિસ્તારમાં નાનપુરા મટન માર્કેટ પાસે મોડી રાત્રે વોટ્સએપ ગ્રુપમાં થયેલી બોલાચાલી અને જૂની અદાવતના કારણે બે મિત્રોની હત્યા કરવામાં આવી હતી. મટન કાપવાના છરા વડે થયેલા હુમલામાં બંને યુવકોનાં મોત નીપજ્યાં હતાં. અઠવા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસ મુજબ, અમરેલીનો 30 વર્ષીય યુવક અશ્વિનીકુમાર રોડ પર આવેલી હીરાની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. તેની સાથે કામ કરતી 27 વર્ષીય યુવતી સાથે પ્રેમસંબંધ હતો. યુવતીના પતિને આ સંબંધ અંગે શંકા હતી. બીજી તરફ, 'સલમાન ખાન' નામના વોટ્સએપ ગ્રુપમાં ફ્રી ફાયર ગેમ રમવા દરમિયાન થયેલી ગાળાગાળી અને વિવાદે પણ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, રાત્રે આશરે 12 વાગ્યે બંને પક્ષો સામસામે આવી ગયા હતા. આરોપી સગીરોના પિતાની મટનની દુકાનમાંથી તેઓ મોટો છરો લઈને આવ્યા હતા. ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી દરમિયાન બંને સગા મિત્રોને છરાના ઘા મારવામાં આવ્યા હતા, જેમાં તેમનાં મોત થયાં હતાં.
મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે બંને યુવકો માત્ર વિવાદનો ઉકેલ લાવવા ગયા હતા, પરંતુ નિર્દોષ હોવા છતાં જીવ ગુમાવવો પડ્યો. ઘટનાની જાણ થતાં અઠવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને આરોપીઓને પકડવા અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે