સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી શરૂ થઈ રહી છે અત્યાધુનિક 'એસી વિસ્ટા ડોમ કોચ' બસ સેવા
પ્રવાસીઓ આરામદાયક એસી કેબિનમાં બેઠા-બેઠા ખુલ્લા આકાશ અને આસપાસના નયનરમ્ય દૃશ્યોનો આનંદ માણી શકશે. ગાંધીનગર, 02 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ આપવા અને પ્રવાસીઓને રાજ્યના પ્રાકૃતિક સૌંદર્ય, ઐતિહાસિક વારસો તથા સાંસ્કૃતિક સ્થ
અત્યાધુનિક 'એસી વિસ્ટા ડોમ કોચ' બસ સેવા


અત્યાધુનિક 'એસી વિસ્ટા ડોમ કોચ' બસ સેવા


- પ્રવાસીઓ આરામદાયક એસી કેબિનમાં બેઠા-બેઠા ખુલ્લા આકાશ અને આસપાસના નયનરમ્ય દૃશ્યોનો આનંદ માણી શકશે.

ગાંધીનગર, 02 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ આપવા અને પ્રવાસીઓને રાજ્યના પ્રાકૃતિક સૌંદર્ય, ઐતિહાસિક વારસો તથા સાંસ્કૃતિક સ્થળોનો યાદગાર અનુભવ કરાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ અને ગુજરાત ટુરિઝમ દ્વારા એક વિશેષ સંયુક્ત પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત, ભારતમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબની કુલ 05 વિશિષ્ટ 'એસી વિસ્ટા ડોમ કોચ' બસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વિસ્તા ડોમ બસનું લોકાર્પણ કર્યું હતું અને વિસ્ટા ડોમ બસની સફર પણ માણી હતી.

આ આધુનિક બસોમાં પારદર્શક સ્કાય-વ્યૂ રૂફ- ટ્રાન્સપરન્ટ રૂફ ડોમ ડિઝાઇન આપવામાં આવી છે. જેનાથી પ્રવાસીઓ આરામદાયક એસી કેબિનમાં બેઠા-બેઠા ખુલ્લા આકાશ અને આસપાસના નયનરમ્ય દૃશ્યોનો આનંદ માણી શકશે. આ બસોમાં પ્રવાસીઓની સુવિધા માટે રિવોલ્વિંગ અને ફુલ્લી એડજસ્ટેબલ રિક્લાઇનિંગ સીટ્સ વાળી કુલ 23 સીટો તથા 1 ડ્રાઇવર માટેની બેઠક ક્ષમતા ધરાવે છે.

આ ઉપરાંત નાગરિકો માટે પ્રીમિયમ એલ.ઇ.ડી. સ્માર્ટ ટી.વી., સીસીટીવી કેમેરા, કોફી-ટી મેકિંગ મશીન, મિની ફ્રિજ અને મોબાઇલ ચાર્જિંગ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે તેમાં અત્યાધુનિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ અને ઇમરજન્સી હેમર સાથેના ટફન ગ્લાસની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

નાગરિકો રાજ્યના અલગ અલગ પ્રવાસન સ્થળોની મુલાકાત વધુ આકર્ષક રીતે માણી શકે તે હેતુથી આગામી સમયમાં ગુજરાતના અન્ય પ્રવાસન સ્થળો અને હેરિટેજ રૂટ્સ પર પણ આ પ્રકારની બસ સેવા તબક્કાવાર શરૂ કરવામાં આવશે તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.

આ બસની બોડી પર ગુજરાતના વિશ્વ-પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, અક્ષરધામ, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, અડાલજની વાવ, ધોરડો રણ, તરણેતરનો મેળો અને વિજય વિલાસ પેલેસના આકર્ષક ગ્રાફિક્સ દર્શાવવામાં આવ્યા છે.

એક એસી વિસ્ટા ડોમ કોચ બસની કિંમત રૂ. 2.19 કરોડ છે. આ બસ સેવા માંથી કુલ 05 બસોમાંથી હાલ 02 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીની 03 બસોનું લોકાર્પણ આગામી બે માસમાં કરવાનું આયોજન છે. નાગરિકોએ GSRTCની વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવી આ બસ સેવાનો લાભ લઈ શકે છે.

આ પ્રકારની પ્રીમિયમ વિસ્ટા ડોમ બસ સેવા શરૂ થવાથી ગુજરાતના નાગરિકો અને દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓનો પ્રવાસન એક્સપિરિયન્સ સંપૂર્ણપણે બદલાઈ જશે. હવે પ્રવાસીઓ માત્ર મુસાફરી નહીં પરંતુ રસ્તામાં આવતા કુદરતી નજારાઓ અને ઐતિહાસિક વિરાસતોને એક નવા જ દ્રષ્ટિકોણથી માણી શકશે.

આ પહેલ ગુજરાતના પ્રવાસન પરિવહન ક્ષેત્રે એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે અને રાજ્યના ટુરિઝમ સેક્ટરને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande