10 લાખ રૂફટોપ સોલરના લક્ષ્ય સામે ગુજરાતે 90 ટકા કામ પૂર્ણ કર્યું, અત્યાર સુધી રાજ્યમાં 9.08 લાખ રૂફટોપ સોલાર સ્થાપિત
પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના: રૂફટોપ સોલરની સ્થાપિત ક્ષમતામાં ગુજરાત દેશમાં પ્રથમ, રાષ્ટ્રીય ક્ષમતામાં 18.21% યોગદાન. ગાંધીનગર, 02 નવેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2070 સુધીમાં દેશમાં નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય નિર્ધારિત કર્યું
રૂફટોપ સોલર


- પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના: રૂફટોપ સોલરની સ્થાપિત ક્ષમતામાં ગુજરાત દેશમાં પ્રથમ, રાષ્ટ્રીય ક્ષમતામાં 18.21% યોગદાન.

ગાંધીનગર, 02 નવેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2070 સુધીમાં દેશમાં નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. પરંપરાગત ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા અને વર્ષ 2030 સુધીમાં દેશની વીજળીની 50% જરૂરિયાત પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતોમાંથી પૂરી કરવા માટે વિવિધ મહત્ત્વપૂર્ણ પહેલો અમલમાં મુકવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પણ વીજળીના વધતા વપરાશ અને ભવિષ્યની માંગને પહોંચી વળવા પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન વધારી રહ્યું છે.

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ સોલર સિસ્ટમ અપનાવવામાં ગુજરાત દેશના અગ્રણી રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે. દેશમાં સ્થાપિત કુલ રૂફટોપ સોલર સિસ્ટમમાં ગુજરાતનો હિસ્સો 18.21% છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.08 લાખ રેસિડેન્શિયલ રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેની કુલ સ્થાપિત ક્ષમતા 3,408 મેગાવોટ છે. આ સાથે ગુજરાતે માર્ચ 2027 સુધીમાં 10 લાખ રેસિડેન્શિયલ રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપિત કરવાના લક્ષ્યાંકની 90% સિદ્ધિ મેળવી લીધી છે.

રૂફટોપ સોલરને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારની સહાય અને આર્થિક પ્રોત્સાહનો

ગુજરાત સરકાર રૂફટોપ સોલર સિસ્ટમના વ્યાપને વધારવા માટે આર્થિક સહાય અને નિયમનકારી પ્રોત્સાહનો પૂરા પાડે છે. રહેણાંક મકાનોમાં 6 કિલોવોટ સુધીની રૂફટોપ સોલર સિસ્ટમ માટે નિયમનકારી ચાર્જ પેટે ₹2,950ની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, નેટવર્ક મજબૂતીકરણ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે અને નેટ મીટરિંગ કરારની આવશ્યકતામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારની સહાય ઉપરાંત રાજ્ય સરકારે નાના રેસિડેન્શિયલ વીજગ્રાહકો માટે વધારાની આર્થિક સહાયની જોગવાઈ પણ કરી છે. તે મુજબ, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના ગ્રાહકો 2.18 કિલોવોટ પીક (kWp) સુધીની ક્ષમતા ધરાવતી નવી રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપિત કરાવે તો તેમણે નિર્ધારિત ખર્ચની માત્ર 5% રકમ આપવાની રહે છે. અન્ય ગ્રાહકો પણ 10% ખર્ચ સાથે રૂફટોપ સોલર લગાવી શકે છે. કેન્દ્ર સરકારની નાણાકીય સહાય (CFA) અને ગ્રાહક તરફથી મળેલી રકમને બાદ કર્યા પછી નિર્ધારિત બેન્ચમાર્ક ખર્ચની બાકીની રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.

ગુજરાતની સિદ્ધિ પાછળનાં મુખ્ય પરિબળો

ગુજરાત સરકારે પરિવારો માટે સૌર ઊર્જા અપનાવવાનું સરળ બનાવ્યું છે. રાજ્યની સોલર નીતિ હેઠળ, ઘરોમાં 'નેટ મીટરિંગ'ની સુવિધા ઉપલબ્ધ છે; જેનો અર્થ એ છે કે વીજળીનું મીટર તમે કેટલી વીજળી વાપરો છો અને કેટલી વીજળી ગ્રીડમાં પાછી મોકલો છો, તેની નોંધ રાખે છે. ઘરો પર લાગેલી સોલર સિસ્ટમ માટે 'કનેક્ટેડ લોડ' પર કોઈ મર્યાદા નથી, અને ઘરમાં ઉત્પન્ન થતી વધારાની વીજળી વેચી પણ શકાય છે. આ ઉપરાંત, ઘરેલુ વપરાશકર્તાઓએ કોઈ બેંકિંગ ચાર્જ પણ ચૂકવવો પડતો નથી. આ સુવિધાઓને કારણે, વધુને વધુ લોકો પોતાના ઘરની છત પર સોલર સિસ્ટમ લગાવી રહ્યાં છે અને કોઈપણ મુશ્કેલી વિના આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.

30 સપ્ટેમ્બર, 2026ની સ્થિતિએ ગુજરાતની કુલ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા 55,511.46 મેગાવોટ છે, જે દેશની કુલ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાના 18.55% જેટલી છે. તેમાં સૌર ઊર્જાની ક્ષમતા 36,234.55 મેગાવોટ છે, જે રાષ્ટ્રીય સૌર ઊર્જા ક્ષમતામાં 21.2% યોગદાન આપે છે. જ્યારે રાજ્યની પવન ઊર્જા ક્ષમતા 17,043.76 મેગાવોટ છે, જે દેશની કુલ પવન ઊર્જા ક્ષમતાનો 28.8% જેટલો હિસ્સો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande