
અમદાવાદ, 02 નવેમ્બર (હિ.સ.) : અમદાવાદના બોડકદેવમાં રહેતા અને જમીન તેમજ શેરબજારમાં રોકાણ કરતા વેપારી સાથે 58.92 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. કન્સ્ટ્રક્શન અને જમીન ક્લિયરન્સનું કામ કરતા ત્રણ શખ્સોએ જમીનના વિવાદો ઉકેલી આપવાના બહાને અને નવી કન્સ્ટ્રક્શન સ્કીમમાં મોટા નફાની લાલચ આપીને કરોડોની જમીનોના દસ્તાવેજો પોતાના નામે કરાવી લીધા હતા. નક્કી કરેલી અવેજની રકમ ન ચૂકવી અને બોગસ ખર્ચના નામે હિસાબ આપવાનો ઇનકાર કરી ફરિયાદીના કરોડો રૂપિયા પડાવી લેતા ઈકોનોમિક ઓફેન્સ વિંગ ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.
ચિંતન રામીએ ફરિયાદ નોંધાવી છે કે, ફેબ્રુઆરી 2022માં તેઓનો સંપર્ક બોડકદેવ ખાતે કન્સ્ટ્રક્શન અને જમીન ક્લિયરન્સનું કામ કરતા દીપક હીરપરા, હર્ષલ હીરપરા અને જીગ્નેશ હીરપરા સાથે થયો હતો.
આરોપીઓએ જમીનના વિવાદો ક્લિયર કરી આપવાની ખાતરી આપી હતી અને તે માટેના ખર્ચને પહોંચી વળવા ફરિયાદીની જમીન 40 કરોડના ઉચક ભાવે વેચાણ રાખવાનું નક્કી કર્યું હતું. જોકે, દસ્તાવેજ કર્યા બાદ આરોપીઓએ આશરે 25 કરોડ જ ચૂકવ્યા હતા અને બાકીના 15 કરોડ જમીન ક્લિયર કરવાના રોકડ વ્યવહારોના બહાને પોતાની પાસે રાખી લીધા હતા અને ચિંતનની સહીઓવાળા વાઉચરો મેળવી લીધા હતા.
ઓક્ટોબર 2022 અને વર્ષ 2023 દરમિયાન આરોપીઓએ વધુ 56,000 ચોરસ વાર જમીન ક્લિયર કરવા માટે અડધો ભાગ વેચાણ રાખવાનો કરાર કર્યો હતો. આ જમીનની કુલ કિંમત 120 કરોડ નક્કી થઈ હતી. જેમાં ચિંતનના ભાગના 60 કરોડમાંથી આરોપીઓએ માત્ર 33 કરોડ ચૂકવ્યા અને 27 કરોડ બાકી રાખ્યા.
આ ઉપરાંત અન્ય સર્વે નંબરોના વેચાણમાં પણ 36,84,99,487ની રકમમાંથી 16,92,16,487 ચૂકવ્યા ન હતા. ચિંતને જ્યારે બાકીના નાણાં માંગ્યા ત્યારે આરોપીઓએ લાલચ આપી હતી કે, આ રકમ તેઓ આ જમીન પર બનનારી નવી કન્સ્ટ્રક્શન સ્કીમમાં રોકાણ તરીકે ગણી લેશે અને મોટો નફો આપશે. આ વિશ્વાસમાં લઈને આરોપીઓએ તમામ જમીનોના દસ્તાવેજો પોતાના નામે કરાવી લીધા હતા.
તમામ દસ્તાવેજો થઈ ગયા બાદ આરોપીઓએ સ્કીમમાં રોકાણ અંગેનું કોઈ લેખિત લખાણ ચિંતનને કરી આપ્યું ન હતું. જ્યારે ચિંતને પોતાની બાકી નીકળતી રકમ અને રોકાણના લખાણની અવારનવાર માંગણી કરી ત્યારે આરોપીઓએ હિસાબ આપવાનો ઇનકાર કર્યો હતો અને જમીન ક્લિયર કરવામાં 90 કરોડનો ખોટો ખર્ચ ઉધારી દીધો હતો.
આમ, આરોપીઓએ જમીન ક્લિયર કરવાના નામે અને સ્કીમમાં મોટા નફાની લાલચ આપીને ફરિયાદીની કુલ 58.92 કરોડ પોતાના અંગત લાભ માટે રાખી લઈ છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ