સુરતમાં પ્રેમપ્રકરણમાં પકડાયેલી પત્નીએ પતિને ચપ્પલથી માર્યો, યુવતીના વાળ ખેંચી ઢીબી નાખી
સુરત, 02 નવેમ્બર (હિ.સ.) : સુરતમાં ‘પતિ, પત્ની અને વો’નો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વરાછા-અશ્વિનીકુમાર રોડ પર આવેલી એક હીરાની પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા યુવકને ઓફિસમાં જ ડેટા ઓપરેટર તરીકે કામ કરતી યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ
પત્નીએ પતિને ચપ્પલથી માર્યો


સુરત, 02 નવેમ્બર (હિ.સ.) : સુરતમાં ‘પતિ, પત્ની અને વો’નો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વરાછા-અશ્વિનીકુમાર રોડ પર આવેલી એક હીરાની પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા યુવકને ઓફિસમાં જ ડેટા ઓપરેટર તરીકે કામ કરતી યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ સંબંધને લઈને ભારે હોબાળો થયો હતો. મધરાતે પત્નીએ પતિને તેની પ્રેમિકા સાથે બાઇક પર જતાં પકડી પાડ્યો હતો. ત્યારબાદ પત્ની અને સાસરિયા પક્ષના સભ્યોએ કતારગામ GIDC ચાર રસ્તા પાસે જાહેરમાં બંનેને ઘેરી લીધા હતા. પત્નીએ પતિને ચપ્પલથી માર માર્યો હતો, જ્યારે યુવતીના વાળ ખેંચીને તેની સાથે પણ મારપીટ કરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમરેલીનો 30 વર્ષીય યુવક અશ્વિનીકુમાર રોડ પર આવેલી હીરાની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેની સાથે જ કંપનીમાં ડેટા ઓપરેટર તરીકે કામ કરતી 27 વર્ષીય યુવતી સાથે તેને પ્રેમસંબંધ બંધાયો હતો. પતિની હરકતોને લઈને પત્નીને લાંબા સમયથી શંકા હતી કે તે બહાર કોઈ યુવતી સાથે ગુપ્ત રીતે રંગરેલિયા મનાવે છે.

1 નવેમ્બરની મધરાતે આશરે ત્રણ વાગ્યે પતિ યુવતીને બાઇક પર પાછળ બેસાડીને નીકળ્યો હતો. આ દરમિયાન પત્ની, સાસુ અને સાળી સહિત પરિવારજનો કાર લઈને તેમની પાછળ પહોંચી ગયા હતા. કતારગામ GIDC ચાર રસ્તા પાસે પરિવારજનોએ કાર આડી નાખીને બાઇક અટકાવી હતી. પતિ અન્ય યુવતી સાથે રંગેહાથ પકડાતાં જ પત્નીએ જાહેરમાં ચપ્પલથી માર મારવાનું શરૂ કર્યું હતું. તેની સાથે આવેલા સંબંધીઓએ પણ યુવકને માર માર્યો હતો.પત્ની અને તેની સાથે આવેલી મહિલાઓએ યુવતીને પણ રસ્તા પર જ ઘેરી લીધી હતી. યુવતીના વાળ ખેંચીને તેને માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન પરિવારના સભ્યો મોબાઇલ ફોનમાં સમગ્ર ઘટનાના વીડિયો ઉતારતા રહ્યા હતા. રસ્તા પર થયેલી આ મારામારી અને હોબાળાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં કતારગામ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મામલો થાળે પાડી તમામને પોલીસ મથકે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ મથકે પહોંચ્યા બાદ મારપીટનો ભોગ બનેલી 27 વર્ષીય યુવતીએ પોતાના પ્રેમીની પત્ની સહિત ત્રણ મહિલાઓ વિરુદ્ધ જાહેરમાં માર મારવા બદલ એન.સી. (નોન-કોગ્નિઝેબલ) ફરિયાદ નોંધાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande