‘ઈ-ફાઈલિંગ 3.0’ પર બુધવારે રાષ્ટ્રીય કાર્યશાળા યોજાશે, મંત્રી અર્જુન રામ મેઘવાલ હાજર રહેશે.
નવી દિલ્હી, 03 નવેમ્બર (હિ.સ.). અદાલતી કામકાજને સંપૂર્ણપણે ડિજિટલ અને કાગળ-રહિત બનાવવાના હેતુથી, ઈ-કોર્ટ મિશન મોડ પરિયોજના હેઠળ કાયદા અને ન્યાય મંત્રાલયનો ન્યાય વિભાગ બુધવારે ‘ઈ-ફાઈલિંગ 3.0: પ્રક્રિયાથી વ્યવહાર સુધી’ વિષય પર એક મહત્વપૂર્ણ કાર્યશાળા
કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 03 નવેમ્બર (હિ.સ.). અદાલતી કામકાજને સંપૂર્ણપણે ડિજિટલ અને કાગળ-રહિત બનાવવાના હેતુથી, ઈ-કોર્ટ મિશન મોડ પરિયોજના હેઠળ કાયદા અને ન્યાય મંત્રાલયનો ન્યાય વિભાગ બુધવારે ‘ઈ-ફાઈલિંગ 3.0: પ્રક્રિયાથી વ્યવહાર સુધી’ વિષય પર એક મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરશે. આ કાર્યક્રમ દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં યોજવામાં આવશે.

કાયદા અને ન્યાય મંત્રાલય અનુસાર, આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ, મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટની ઈ-સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહેશે.

આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી અધિકારીઓને ‘ઈ-ફાઈલિંગ 3.0’ પ્લેટફોર્મની કાર્યપ્રણાલી અને ઝીણવટભરી વિગતોથી માહિતગાર કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન, રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર (એનઆઈસી) દ્વારા વિશેષ તકનીકી સત્રોનું આયોજન કરવામાં આવશે. આ સત્રોમાં ઈ-કોર્ટના સંચાલન, ઈ-કોર્ટ સિંગલ સાઈન-ઓન (એસએસઓ), ઈ-કોર્ટ સર્વિસિસ મોબાઈલ એપ અને ઈ-ફાઈલિંગ 3.0ની મુખ્ય વિશેષતાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આ સાથે, સરકારી વકીલો અને વિભાગો માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે અધિકારીઓ સાથે ખુલ્લી ચર્ચા પણ થશે.

ઉલ્લેખનીય છે કે, ઈ-કોર્ટ પરિયોજનાના ત્રીજા તબક્કા (ફેઝ-III)નો મુખ્ય ઉદ્દેશ્ય ન્યાયાલયોને શરૂઆતથી અંત સુધી ડિજિટલ બનાવવાનો અને નાગરિકોને સુલભ ઈ-સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. દેશની અદાલતોમાં થતી મુકદ્દમાબાજીમાં સરકારી મંત્રાલયો, વિભાગો, પીએસયુ (જાહેર ક્ષેત્રના ઉપક્રમો) અને સ્વાયત્ત સંસ્થાઓનો ખૂબ મોટો હિસ્સો છે. આવા સંજોગોમાં, આ વિભાગો દ્વારા ઈ-ફાઈલિંગ અપનાવવાથી માત્ર કાર્યક્ષમતામાં જબરદસ્ત સુધારો થશે એટલું જ નહીં, પરંતુ અદાલતોની ભૌતિક કાગળની પ્રક્રિયાઓ પરની નિર્ભરતા પણ ઘણી ઓછી થઈ જશે.

મંત્રાલય અનુસાર, આ કાર્યશાળા કેન્દ્ર સરકારની તે પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ ઉદાહરણ છે, જેનો લક્ષ્ય દેશમાં એક ડિજિટલ, કાગળ-રહિત અને નાગરિક-કેન્દ્રિત ન્યાય વિતરણ પ્રણાલીની સ્થાપના કરવાનો અને ન્યાયિક પ્રક્રિયાઓમાં ટેકનોલોજીના ઉપયોગને સંસ્થાકીય સ્વરૂપ આપવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande