મહારાષ્ટ્રમાં દુષ્કાળની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મનસેનો દીપોત્સવ રદ
મુંબઈ, નવી દિલ્હી, 04 નવેમ્બર (હિ.સ.). મહારાષ્ટ્રમાં ભયાનક દુષ્કાળ અને ગ્રામીણ વિસ્તારોમાં ઘેરાતા જળસંકટને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના અધ્યક્ષ રાજ ઠાકરેએ, આ વર્ષે શિવાજી પાર્કમાં યોજાનારા દીપોત્સવને રદ કરવાનો નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના અધ્યક્ષ રાજ ઠાકરે


મુંબઈ, નવી દિલ્હી, 04 નવેમ્બર (હિ.સ.). મહારાષ્ટ્રમાં ભયાનક દુષ્કાળ અને ગ્રામીણ વિસ્તારોમાં ઘેરાતા જળસંકટને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના અધ્યક્ષ રાજ ઠાકરેએ, આ વર્ષે શિવાજી પાર્કમાં યોજાનારા દીપોત્સવને રદ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે રાજ્યની વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નાગરિકોને દિવાળીનો તહેવાર સાદગીથી ઉજવવા અને આતશબાજી તેમજ ભવ્ય રોશનીથી દૂર રહેવાની અપીલ કરી છે.

રાજ ઠાકરેએ કહ્યું કે, દર વર્ષે શિવાજી પાર્કમાં દીપોત્સવ ખૂબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. મેદાનને આકર્ષક રોશનીથી શણગારવામાં આવે છે અને આતશબાજીનું ભવ્ય આયોજન થાય છે. આ ઉત્સવ જોવા માટે મુંબઈ, થાણે સહિત મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. આ વર્ષે રાજ્યમાં પ્રવર્તમાન ભયાનક દુષ્કાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને દીપોત્સવનું આયોજન કરવું તેમને યોગ્ય લાગ્યું નહીં.

તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર હાલમાં અત્યંત કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે અને દુષ્કાળનું સંકટ સતત ઘેરું બની રહ્યું છે. આવા સમયે જ્યારે ગ્રામીણ વિસ્તારોના લોકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકો, પાણીની અછત અને આર્થિક મુશ્કેલીઓથી ઝઝૂમી રહ્યા છે, ત્યારે શહેરી વિસ્તારોમાં મોટા પાયે ઉત્સવ ઉજવવો યોગ્ય નથી.

મનસે નેતા રાજ ઠાકરેએ કહ્યું કે, મુખ્યમંત્રી દ્વારા પણ વર્ષ 1972 કરતાં વધુ ગંભીર દુષ્કાળની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમ છતાં કેટલાક રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા ઉત્સવ ઉજવવો દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રના નાગરિકોએ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પોતાના ભાઈ-બહેનોની મુશ્કેલીઓને સમજવી જોઈએ અને સંવેદનશીલતાનો પરિચય આપવો જોઈએ.

તેમણે વધુમાં કહ્યું કે, દુષ્કાળને કારણે ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોનું શહેરો તરફ સ્થળાંતર થવાની આશંકા છે. આવી પરિસ્થિતિમાં દિવાળીના ઉત્સાહ પર થોડો સંયમ રાખવો જરૂરી છે. આ કાળી દિવાળી ઉજવવાની અપીલ નથી, પરંતુ વર્તમાન સંકટને ધ્યાનમાં રાખીને ઉત્સવની ભવ્યતા અને આતશબાજી પર નિયંત્રણ રાખવાનો આગ્રહ છે.

રાજ ઠાકરેએ નાગરિકોને અપીલ કરી કે, તેઓ દિવાળી પર ઘરોમાં દીપ અને કેન્ડલ પ્રગટાવે, મીઠાઈઓ અને ફરસાણ વહેંચે તથા પરંપરાગત રીતે તહેવાર ઉજવે. જોકે, અતિશય રોશની અને ફટાકડા ફોડવાથી બચે. તેમણે આશા વ્યક્ત કરી કે, આવતા વર્ષ સુધીમાં મહારાષ્ટ્રની પરિસ્થિતિઓ સુધરશે અને રાજ્યમાં ફરીથી ખુશહાલી પાછી ફરશે. ઈશ્વરને પ્રાર્થના છે કે, મહારાષ્ટ્ર પર આવેલું સંકટ જલ્દી દૂર થાય અને તમામ નાગરિકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે. અંતમાં રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, પોતાના પરિવાર અને પોતાની તરફથી રાજ્યના તમામ નાગરિકોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી.

હિન્દુસ્થાન સમાચાર / મનીષ કુલકર્ણી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande