
જુનાગઢ 05 નવેમ્બર (હિ.સ.) : સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), જૂનાગઢ અને જૂનાગઢ મહિલા આઇ.ટી.આઇ.ના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં લાઇફ બ્લડ સેન્ટર, રાજકોટ દ્વારા બંને સંસ્થાના તાલીમાર્થીઓમાં થેલેસેમિયા (Thalassemia) અંગે જાગૃતિ કેળવવા તેમજ સમયસર સ્ક્રીનિંગ થાય તે હેતુથી જાગૃતિ અને થેલેસેમિયા ટેસ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તાલીમાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિના ઉમદા આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ આઇ.ટી.આઇ. તથા જૂનાગઢ મહિલા આઇ.ટી.આઇ.ના મળી કુલ ૩૫૧ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ થેલેસેમિયા ટેસ્ટ કરાવ્યા હતા. સામાન્ય રીતે બહાર ખાનગી અથવા અન્ય આરોગ્ય કેન્દ્રોમાં આશરે રૂ. ૬૦૦/- જેટલા ખર્ચે કરવામાં આવતા થેલેસેમિયા ટેસ્ટ બંને સંસ્થાના તાલીમાર્થીઓ માટે સંસ્થામાં જ સંપૂર્ણપણે વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા. આથી તાલીમાર્થીઓને કોઈપણ આર્થિક ખર્ચ વિના આરોગ્યની તપાસ કરાવવાની સુવિધા પ્રાપ્ત થઈ હતી.
કાર્યક્રમ દરમિયાન લાઇફ બ્લડ સેન્ટર, રાજકોટનાં હીનાબેન કાશીયાણી તથા તેમની ટીમ દ્વારા થેલેસેમિયા અંગે જાગૃતિ અને ટેસ્ટની કામગીરી કરવામાં આવી હતી. તાલીમાર્થીઓને થેલેસેમિયા શું છે, તેના લક્ષણો, વારસાગત કારણો, તેની અસરો તથા તેનાથી બચવા માટે રાખવાની સાવચેતીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને લગ્ન પૂર્વે થેલેસેમિયા અંગે તપાસ કરાવવાનું મહત્વ તેમજ સમયસર સ્ક્રીનિંગ કરાવવાથી ભવિષ્યમાં તેના જોખમને કેવી રીતે ઘટાડી શકાય તે અંગે સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત તાલીમાર્થીઓના થેલેસેમિયા સ્ક્રીનિંગ ટેસ્ટ કરી તેમને પોતાના સ્વાસ્થ્ય અંગે જાગૃત રહેવા અને જરૂરિયાત મુજબ સમયસર તબીબી માર્ગદર્શન મેળવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જૂનાગઢ આઇ.ટી.આઇ.ના આચાર્ય પ્રિયેશ વાળા, જૂનાગઢ આઇ.ટી.આઇ.મહિલાના આચાર્ય ગોપીબેન બોરખતરીયા, ફોરમેન મેહુલ કિકાણી, કુ. ભાવનાબેન કાચા તેમજ બંને સંસ્થાના સ્ટાફગણ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમ આઇ.ટી.આઇ. જૂનાગઢના જિલ્લા નોડલ અધિકારી અને આચાર્ય ભગીરથસિંહ જાળીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ